ગુજરાત
News of Friday, 11th June 2021

દહેગામ તાલુકામાં બપોરના સમયે બાઈક પર જઈ રહેલ મત-પુત્રને ગંભીર અકસ્માત નડતા માતાનું કમકમાટીભર્યું મોત

ગાંધીનગર:જિલ્લાના દહેગામ તાલુકાના લવાડથી સાંપા જવાના રોડ ઉપર ગઈકાલે બપોરના સમયે બાઈક ઉપર માતા સાથે જઈ રહેલા યુવાનનું બાઈક બમ્પ આવતા પાછળ બેઠેલા તેમના માતા નીચે પટકાયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ પહોચી હતી. જેથી તેમને સારવાર માટે ગાંધીનગર સીવીલ હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે દહેગામ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.  

આ ઘટના અંગે અમરાભાઈના મુવાડા ખાતે રહેતા પ્રવીણસિંહ ધનસિંહ ચૌહાણે ફરીયાદ નોંધાવી હતી કે ગઈકાલે બપોરના સમયે તેમનો પુત્ર દીપકસિંહ અને તેની માતા સરોજબા બાઈક નં.જીજે-૧૮-બીજી-૧૩૩૮ લઈને નાના પુત્રનું સગપણ કર્યું છે તે વકતાપુર ઉઝેડીયા ગામ ખાતે જઈ રહયા હતા. દરમ્યાનમાં લવાડથી સાંપા જવાના રોડ ઉપર પ્લાયવુડ ફેકટરી નજીક બમ્પ આવતા બાઈક ચાલક દીપકસિંહે સંતુલન ગુમાવ્યું હતું અને પાછળ બેઠેલા તેની માતા સરોજબા નીચે પડી ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે પુત્રએ ફોન કરતાં પ્રવીણસિંહ અને પરિવારજનો અકસ્માત સ્થળે પહોચ્યા હતા અને સરોજબાને સારવાર માટે દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રથી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ તો આ ઘટના અંગે દહેગામ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(6:02 pm IST)