ગુજરાત
News of Friday, 11th June 2021

મુંબઇથી સુરતમાં ચાલતા એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ :ફિલ્મમાં કામ કરતી અભિનેત્રી સહીત ચાર આરોપી ઝડપાયા

પોલીસે હિરોઇન સહિત ચાર લોકોને ઝડપી રૂ.7.90 લાખ નું 79 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યું :

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઇથી સુરતમાં ચાલતા એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરી ફિલ્મમાં સાઈડ રોલ કરતી એક હિરોઇન સહિત ચાર લોકોને ઝડપી લઈ રૂ.7.90 લાખનું 79 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે લીધું હતું.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાટીયા ટોલ નાકા પાસે નાકાબંધી કરી મુંબઈ તરફથી સુરત આવી રહેલી ટેક્સી પાર્સિંગની સફેદ કારને અટકાવી તલાશી લેતા કાર માંથી કુલ રૂ. 7.90 લાખનું 79 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર માં બેઠેલા કમલેશ દુગડ
ક્રિષ્ના દત્ત દુબે,પૂજા ગુપ્તા અને  વિકી પટેલ ની ધરપકડ કરી હતી

 ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કમલેશ દુગડની પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે આ એમડી ડ્રગ્સ નો જથ્થો તેઓ મુંબઈથી લાવ્યા હતા.જોકે ક્રાઈમ બ્રાન્ચ પાસે અગાઉ થી જ માહિતી હતી કે, કમલેશ છેલ્લા બે દિવસથી મુંબઇમાં છે અને તે આજે સુરત આવનાર છે. કમલેશે કબૂલ્યું કે, તે પોતે ડ્રગ્સનું સેવન કરે છે. મુંબઈમાં જમીન દલાલીનું કામ કરવા વારંવાર મુંબઈ જતો હોવાથી ત્યાં તેને એમડી ડ્રગ્સના સેવન કરવાની આદત લાગી હતી પરિણામે તે આ ધંધા તરફ આ આકર્ષાયો હતો.
જ્યારે પકડાયેલો બીજો આરોપી ક્રિષ્ના દત્ત દુબે પાનનો ગલ્લો ચલાવે છે. એમડી ડ્રગ્સના વેચાણ માટે પાનના ગલ્લાનો ઉપયોગ થતો હોઈ શકે તેવી પણ શક્યતાઓ હોય પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. કમલેશ ડુંગડની ગર્લફ્રેન્ડ પૂજા ગુપ્તા પણ એમડી ડ્રગ્સ સપ્લાય માં સામેલ હોવાની વિગતો પ્રકાશ માં આવી છે

ફિલ્મમાં સાઇડ રોલ કરતી પૂજા અને ક્રિષ્નાદત્તની સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ હતી. મૂળ બિહારની અને પુના માં રહેતી પૂજા છેલ્લા દોઢ મહિનાથી સુરતમાં રહે છે. પૂજા ભાડેના ફલેટમાં એમડીનો વેપલો કરતી હોવાની આશંકા છે. કમલેશ-ક્રિષ્નાદત્ત જમીનની દલાલી કરે છે.
જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે સુરત ને ડ્રગ્સ મુક્ત શહેર બનાવવા માટે અમારી ટીમ પ્રયાસ કરી રહી છે. ઝડપાયેલા આરોપી પૈકી કમલેશ પોતે ડ્રગ્સનું સેવન કરે છે તેથી તે કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ સુરતમાં કરતો હતો, અને કોને કોને કરતો હતો તેની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવનાર છે. પકડાયેલા ઈસમો
શંકા ન જાય માટે ભાડેની ટેક્સીમાં ડ્રગ્સ લેવા મુંબઈ જતા હતા. ડ્રાઇવર વિકાસ પટેલ 2 દિવસ પહેલા કમલેશ, ક્રિષ્ણાદત્ત અને તેની બહેનપણી પૂજા ગુપ્તા સાથે મુંબઈ જવા નીકળ્યા હોય પોલીસે ગોઠવેલી વોચ માં પકડાઇ ગયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ડ્રગ્સ નો જથ્થો,ડિજિટલ વજન કાંટો, મોબાઈલ,રોકડા રૂપિયા મળી કુલ રૂ.12 લાખ 27 હજાર નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)