ગુજરાત
News of Tuesday, 11th June 2019

વાયુ ઇફેક્ટ : રાજ્યના અનેક ભાગોમાં પવન સાથે વરસાદ

વલસાડ, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ : વરસાદના કારણે તીવ્ર ગરમીથી લોકોને રાહત : સુરતમાં પણ ભારે પવનની સાથે વરસાદ થતાં વૃક્ષો ધરાશાયી થયા

અમદાવાદ, તા. ૧૧ : વાવાઝોડાની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં મોડી સાંજે વરસાદની શરૂઆત થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ, ડાંગ, તાપી, આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ઉંચા મોજા પણ ઉછળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ વાવાઝોડાની અસર હેઠળ આજે મોડી સાંજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઇ હતી જેમાં વલસાડ, તાપીમાં વરસાદ શરૂ થયો હતો. બીજી બાજુ પવનની ગતિ તીવ્ર હોવાથી વાવાઝોડાની અસર વધારે રહી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧થી ૧.૫ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દિવ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદથી પાણી ભરાઈ જવાની શક્યતા પણ દેખાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉભી થયેલી સ્થિતિ અંગે રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો સાથે વાતચીત કરી હતી. આગામી છ કલાકની અંદર પવનની ગતિ વધીને ૧૩૫ સુધી પહોંચી શકે છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર પણ તીવ્ર પવન ફુંકાઈ શકે છે. મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર વરસાદ થઇ શકે છે. ગુજરાત સરકારે હાઈએલર્ટની જાહેરાત કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં એનડીઆરએફના જવાનો ગોઠવી દીધા છે. સમગ્ર ગુજરાત સરકાર સક્રિય થઇ ગઇ છે. ડાંગમાં ભારે વરસાદ હાલમાં થઇ રહ્યો છે. ડાંગ અને તેની આસપાસના વિસ્તારો વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો થયો છે. કપરાડામાં પણ વરસાદ થયો છે. નવસારી જિલ્લાના વાસંદામાં પણ વરસાદ થયો છે. વિજળીના કડાકા સાથે વરસાદ થઇરહ્યો છે. હાલમાં તીવ્ર ગરમી પ્રવર્તી રહી હતી. સુરતના બારડોલીમાં પણ વરસાદ પડી રહ્યો છે.

(9:06 pm IST)