ગુજરાત
News of Tuesday, 11th June 2019

તકેદારીની સાથે સાથે........

સ્કુલોમાં રજા, બેઠકોનો દોર, તંત્ર સંપૂર્ણ સાબદુ

અમદાવાદ,તા. ૧૧ :

દીવમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું

        દીવમાં ગઇકાલે એક નંબર બાદ બે નંબરનું સિગ્નલ લગાડાયું હતું. આજે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેમજ પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચી જવા સૂચના આપી દેવાઇ છે. બીજીબાજુ, અમરેલીના ૨૩ ગામોને એલર્ટ કરી દેવાયા છે. વાવાઝોડાને પગલે જાફરાબાદ બંદર પર એલર્ટ જાહેર કરાયું છે. જાફરાબાદના ૧૦ ગામો અને રાજુલાના ૧૩ ગામોને એલર્ટ કરાયા છે. તો, ભાવનગરના પણ ૩૪ ગામો હાઇએલર્ટ જાહેર કરી દેવાયા છે. પોરબંદરમાં કેન્દ્રની રેસ્ક્યુ ટીમ સાંજ સુધીમાં આવી પહોંચી હતી. બંદર કાંઠે ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર પંથકમાં વધુ હોઇ ગીર સોમનાથ જિલ્લાનું સમગ્ર તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ વિભાગના અધિકારીઓની આપતકાલીન બેઠક બોલાવાઇ છે. બેઠકમાં કોસ્ટગાર્ડ, પોલીસ, મહેસુલ વિભાગ, વીજતંત્ર, ફોરેસ્ટ સહિતના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વાવાઝોડુ ત્રાટકે ત્યારે શક્ય એટલું જાનમાલને નુકસાન ઓછું થાય તે માટેનું માઇક્રો મેનેજમેન્ટ પ્લાનિંગ કરવા જિલ્લા કલેક્ટરને તાકીદ કરાઇ છે.

ઉનામાં શાળાઓમાં ત્રણ દિવસની રજા જાહેર

        રાજકોટ બાદ ઉનામાં પણ શાળાઓમાં આગામી ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તેમજ પર્યટકોને વાવાઝોડા વિશે માહિતગાર કરવાની અને નીચાણવાળા વિસ્તારોને રેસ્ક્યુ ઓપરેશન કરવા તેમજ વાવાઝોડાને લઇને લોકોને સાવધાન કરવા માટે તંત્ર દ્વારા પગલા લેવાયા છે.

વાવાઝોડાને લઇને રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઇ

વાયુ વાવઝોડાને લઇને રાજકોટમાં કલેક્ટર, એડિશનલ કલેક્ટર, ટીડીઓ, પ્રાંત અધિકારી અને મામલતદાર વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં તમામને હેડ ક્વાર્ટર નહી છોડવા સુચના આપવામાં આવી છે. રાજકોટમાં આજે ૩૨ લોકોની એનડીઆરએફની ટીમ પહોંચી હતી. ૩૦ જવાનો, એક ઇન્સપેક્ટર અને એક સબ ઇન્સ્પેક્ટર મળી કુલ ૩૨ લોકોની એક એનડીઆરએફ ટીમ બનાવશે. રાજકોટમાં સંભવિત અસરગ્રસ્ત ચાર

તાલુકા ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરના ૩૫ ગામોને એલર્ટ જાહેર કરયા છે અને તેની ૮૦ હજારથી વધુ વસ્તીને સુરક્ષાત્મક તાકીદ કરી દેવાઇ છે. હાલમાં ૧૭ બોટ રાજકોટ જિલ્લામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. એનડીઆરએફ બે બોટ અને રેસ્ક્યુના સાધનો લઇ રાજકોટ પહોંચશે.

રાજકોટમાં ૧૩ જુને શાળા-કોલેજોમાં રજા જાહેર

        વાવાઝોડાના પગલે રાજકોટ મ્યનિસિપલ કમિશનર દ્વારા તા.૧૩ જુનના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. પોરબંદર શહેરમાં જોખમી વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું. પવનના કારણે વૃક્ષો ધરાશાયી ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ખારવાવાડ સહિતના વિસ્તારમાં વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથના ૪૦ ગામોને એલર્ટ કરાયા

        વાવાઝોડાના પગલે ગીરસોમનાથના ૪૦ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વેરાવળના ૯, સુત્રાપાડાના ૭, કોડીનારના ૮ અને ઉનાના ૧૭ ગામોનો સમાવેશ થાય છે. એનડીઆરએફનીની ટીમ વેરાવળ આવવા રવાના થઇ ગઇ છે. જિલ્લાનું સમગ્ર તંત્ર સાબદુ થયું છે. પોરબંદર જિલ્લાની તમામ ૪૨૨૯ બોટ બંદરે પાછી આવી ગઇ છે, દરિયામાં એક પણ બોટ ન હોવાનું ફીશરીઝ વિભાગ દ્વારા દાવો કરાયો હતો. તો, અગમચેતી અને સુરક્ષાના કારણોસર બે દિવસ માટે ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ વાવાઝોડાની સંભવિત સ્થિતિને લઇ બંધ કરી દેવામાં આવી છે.

અમરેલીના દરેક તાલુકા મથકો પર કંટ્રોલરૂમ ધમધમતા થયા

        વાવાઝોડાની દહેશતને પગલે આજે સવારથી જ જાફરાબાદ બંદર પર તંત્ર દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું હતું. તો, અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકો પર કંટ્રોલરૂમ શરૂ કરી દેવામા આવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મોડી સાંજે જિલ્લા કલેકટરે એલર્ટની સ્થિતિને પગલે કર્મચારીઓની રજા રદ કરવાનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દાયકા દરમ્યાન અમરેલી જિલ્લામા પાંચ વાવાઝોડાએ મોટી તબાહી મચાવી હતી.

દ્વારકાના ૧૦ બંદરો પર બધી બોટો પરત ફરી

        દ્વારકા જિલ્લાના ૧૦ બંદરો પરથી રજિસ્ટ્રેશન થયેલી ૫૨૨૧ તમામ માછીમારી બોટો કિનારે આવી ચૂકી છે. માછીમારોએ પોતાની બોટો દરિયા કિનારા પર બંદરો પર લંગારી દીધી છે. તેઓને બીજી સૂચના ના મળે ત્યાં સુધી માછીમારોને દરિયો નહી ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના સમુદ્રમાં પ્રમાણમાં માછલીઓનો જથ્થો મળી રહેતો હોવાથી ગુજરાતના અન્ય વિસ્તારમાંથી પણ માછીમારો અહીં આવે છે. જિલ્લાના ૧૦ બંદરો પરથી કુલ ૫૨૨૧ જેટલી માછીમાર બોટોનું રજિસ્ટ્રેશન થયેલું છે. તા.૯ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી વરસાદનું પ્રમાણ વધારે રહેતું હોવાથી દરિયામાં મોજાનું પ્રમાણ વધારે રહેતું હોય છે. આ સમયગાળામાં માછલીને તેમની પ્રજનનની ઋતુ દરમ્યાન સરક્ષણ આપવાનું હોય છે. જેથી બોટોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે.

સાંજથી કચ્છમાં વાયુની અસર વર્તાવવાનું શરૂ થશે

        વાયુની અસર આજે સાંજથી કચ્છમાં વર્તાવવાનું શરૂ થશે અને બુધવારથી શુક્રવાર દરમિયાન કચ્છના મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે, સાયક્લોનમાં તબદીલ થવા જઇ રહેલી સીસ્ટમ હાલમાં વેરાવળથી ૭૪૦ કિ.મી દુર કેન્દ્રિત છે. ૨૪ કલાક એટલે કે બુધવારની સાંજથી ગુરૂવારની સવાર સુધી તે સિવીયર સાયક્લોન બની પોરબંદરથી મહુવા વચ્ચે ૧૩૫થી ૧૫૦ કિ.મીની ઝડપે ભારે પવન સાથે પસાર થાય તેવી સંભાવના છે. કચ્છમાં ૪૫થી ૭૫ કિમીની ઝડપે પવન ફુંકાવાની શકયતા વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી.

(8:38 pm IST)