ગુજરાત
News of Tuesday, 11th June 2019

નડિયાદના નવાગામમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 4 શકુનિઓની ધરપકડ કરી

નડિયાદ: તાલુકાના નવાગામમાં શેઢી નદી પાસે આવેલ બળવંતસિંહ ઉર્ફે ભોપો કેસરીસિંહ સોઢા (રહે.નડિયાદ)ના ખેતરમાં જુગાર રમાતો હોવાની માહિતી નડિયાદ રૂરલ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં બળવંતસિંહ ઉર્ફે ભોપો કેસરીસિંહ સોઢા, સરદારભાઈ ઉર્ફે સદાભાઈ મણીભાઈ સોઢા (રહે.નવાગામ) તેમજ અન્ય ત્રણ જુગારીઓ પોલીસને હાથતાળી આપી ભાગી છુટવામાં સફળ બન્યાં હતાં. જો કે પોલીસે સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતાં ચાર જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં સલીમ અબીલ ચકલાસીયા, સલીમ મહેબુબ વીણાવાલા, સલીમબેગ સદરૂબેગ મીર્ઝા અને સલીમભાઈ સતારભાઈ વ્હોરા (તમામ રહે.નડિયાદ) નો સમાવેશ થાય છે. આ ચારેય જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૧૬,૫૦૦ તેમજ દાવ પરના રૂ.૨૨૫૦ મળી કુલ રૂ.૧૮,૭૫૦ની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત સ્થળ પરથી રૂ.૧,૦૦,૦૦૦ ની કિંમતનું રજિસ્ટ્રેશન નંબર વગરનું રોયલ એનફિલ્ડ બુલેટ બાઈક, રૂ.૧,૦૦,૦૦૦ ની કિંમતની સીએનજી રીક્ષા નં જીજે ૦૭ એટી ૮૯૯૦ તેમજ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાઈકલ નં જીજે ૦૭ સીએલ ૦૦૩૧ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૨૦,૦૦૦ ની કિંમતના ત્રણ વાહનો મળી આવ્યાં હતાં. 

(5:33 pm IST)