ગુજરાત
News of Tuesday, 11th June 2019

અમીરગઢ તાલુકાના વેનપુરા નજીક ચૂલામાંથી ઉડેલ તણખલામાંથી આગ ભભૂકતા બે બાળકો મોતને ભેટી

અમીરગઢ:તાલુકાના વેનપુરા (વિ) ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ભાયલા ગામમાં રવિવારની રાત્રીએ ચુલામાંથી ઉડેલા એક તણખલાથી ઝુંપડામાં ભીષણ આગ લાગી હતી. જેમાં અંદર સુઈ રહેલી બે માસુમ બાળાઓ આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં ગંભીર રીતે દાઝતાં મૃત્યુ પામી હતી. જ્યારે પોતાની સગી બે દિકરીઓને બચાવવા ભડભડ સળગી રહેલા ઝુંપડામાં પડેલી માતા પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

ધનપુરા (વિ) ગ્રામ પંચાયતમાં સમાવેશ કરાયેલ ભાયલા પેટા પરામાં રહેતા નાથાભાઈ કેસરભાઈ માળી (આદિવાસી) ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની રવિવારની મોડી સાંજે પોતાના રહેણાંક ઝુંપડામાં રોજિંદાક્રમ મુજબ ચુલા ઉપર રસોઈ બનાવ રહ્યા હતા તે વખતે લાકડાના ચુલામાંથી એક તણખલું ઉડીને ઝુંપડામાં પડયું હતું. જોતજોતામાં આખુય ઝુંપડું આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. જેથી ગૃહણીએ બૂમાબૂમ મચાવતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા નિરર્થક પ્રયત્નો આદર્યા હતા.

(5:31 pm IST)