ગુજરાત
News of Tuesday, 11th June 2019

રાત્રે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણીના સંકેત

વલસાડ, નવસારી, ગણદેવી, સુરતમાં અસહ્ય ઉકળાટ... 'વાયુ' વાવાઝોડુના પગલે તંત્ર સતર્કઃ નવસારી સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચી

 

રાજકોટ, તા. ૧૧ : છેલ્લા ત્રણ માસથી અસહ્ય ગરમીનો પ્રકોપ સહન કરતાં ગુજરાતીઓ માટે ઠંડક આપતા સમાચાર સાથે વાવાઝોડુ પણ આવવાની શકયતાએ તંત્ર સાબદુ થયુ છે.

આ વર્ષે ઉનાળામાં ભારે ગરમી પડી છે. વિદાય લેતા ઉનાળુ સીઝનમાં અરબી સમુદ્રમાં ડિપડિપ્રેશન છવાયુ છે. અરબી સમુદ્રવાળી સિસ્ટમ વધુ મજબૂત બનતા 'વાયુ' વાવાઝોડામાં પરિવર્તિત થયુ છે. ચોમાસુ સામાન્ય રીતે ૧૫ દિવસ વહેલુ આવી રહ્યાનું અનુમાન થઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ વાયુ વાવાઝોડાથી તા.૧૨ થી ૧૫ દરમિયાન ગુજરાતને ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તાર ઉપર વધુ અસરની શકયતા ઉદ્દભવી છે.

મુંબઈમાં છેલ્લા ૪૮ કલાકથી મેઘરાજાએ વરસાદ વરસાવ્યો છે ત્યારે તેની સીધી અસર દક્ષિણ ગુજરાત ઉપર થઈ રહી છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદના આગમન થયા બાદ ૫ થી ૬ દિવસમાં ગુજરાતમાં ચોમાસુ અને વરસાદ આવતો હોય છે.

જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રવાળી સિસ્ટમ્સ મજબૂત બનતા ગરમીનો પ્રકોપ થોડો હળવો થયો છે અને વાદળો બંધાવા લાગ્યા છે. અસહ્ય ઉકળાટ લોકો અનુભવી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં તો વલસાડ, નવસારી, તાપી, સુરત સહિતના વિસ્તારોમાં  ભેજનું પ્રમાણ ખૂબ વધતા લોકો બફારામાં અકળાઈ રહ્યા છે.

જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે અથવા મોડી રાત્રીના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ આવવાની શકયતા બળવતર બની છે.

(4:09 pm IST)