ગુજરાત
News of Tuesday, 11th June 2019

બજેટ સત્ર પહેલા મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો

જીતુ વાઘાણી -અલ્પેશ ઠાકોર રાઘવજી પટેલ વગેરેને લેવાય તેવી શકયતા

અમદાવાદ, તા.૧૧: ટુંક સમયમાં મુખ્યમંત્રી રુપાણીની કેબિનેટમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર જુલાઈ ૨ના રોજ શરુ થશે આ પહેલા ગુજરાત ભાજપના સંગઠનમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. આગામી મહિને ગુજરાત ભાજપના હોદ્દેદારોની ટર્મ પૂરી થતી હોવાથી નવા પ્રદેશ પ્રમુખ સહિત તમામ હોદ્દાઓ પર નવી વરણી થઈ શકે છે.

એક શકયતા એવી પણ દર્શાવાઈ છે કે રૂપાણીની નવી કેબિનેટમાં જીતુ વાઘાણી, રાઘવજી પટેલ અને વર્તમાન રાજકારણમાં હલચલ મચાવનારા ઓબીસી નેતા અને કોંગ્રેસમાંથી છુટા પડેલા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય અને તેમને દિલીપ ઠાકોરના સ્થાને રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાનનું સ્થાન મળે તેવી શકયતા પણ જોવાઇ રહી છે.

આ ઉપરાંત પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી હાલ પોતાની કેબિનેટનું કદ વધારવા માગતા નથી પરંતુ કદાચ કેટલાક મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે અને તેમની જગ્યાએ બીજા કોઈને સ્થાન આપવામાં આવી શકે છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે આગામી ૨૦૨૨ સુધી રાજયમાં કોઈ મોટી ચૂંટણી નથી ત્યારે પાર્ટી પોતાના સંગઠનના માળખામાં મોટા ફેરફાર કરે તેવી પૂરી શકયતા છે.

(11:51 am IST)