ગુજરાત
News of Tuesday, 11th June 2019

પાલનપુરમાં મૃત યુવક કબ્રસ્તાનમાં ફરીથી થયો જીવિત

મસ્ઝિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરાતા મૃતક યુવકનાં શરીરમાં શ્વાસ શરૂ :તબીબે મૃત્યુ થયાનું જણાવતા દફનવિધિ માટે લઇ ગયેલ

પાલનપુરના જનતાનગરમાં રહેતા નદીમભાઇ યાકુબભાઇ નાગોરીને લૂ લાગતાં મહાજન હોસ્પિટલમાં દાખલ કરેલા હતાં. જ્યાં રવિવારે આઠ કલાકે તેમનું મોત નીપજ્યું હોવાનું તબીબોએ જણાવતા તેઓ ઘરે લઇ જઇને દફનવિધિ માટે તૈયાર કરી કબ્રસ્તાન લઇ જવામાં આવી રહ્યાં હતાં. આ દરમિયાન રસ્તામાં મસ્ઝિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરાવવામાં આવી હતી. ત્યારે જ મૃતક યુવકનાં શરીરમાં શ્વાસ શરૂ થયો હતો તેવું જણાયું હતું. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
   હોસ્પિટલમાં તબીબોએ યુવાનને ફરીથી મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ તેની દફનવિધિ કરવામાં આવી હતી. પરિવારજનોએ સવારે પહેલા મહાજન હોસ્પિટલમાં લઇ ગયા હતાં. તેમનાં તબીબો પર આક્ષેપ કરતાં પરિવારે જણાવ્યું કે, 'મહાજન હોસ્પિટલનાં તબીબોએ અમારા દીકરાને સવારે જ મૃત જાહેર કરી દીધો હતો પરંતુ ડો. આઇ. બી. ખાને કહ્યું કે યુવક 12 કલાક સુધી જીવિત હતો તે બાદ તેનું મૃત્યું થયું છે.'

    આ ઘટના અંગે યુવાનના નજીકના સંબંધી લતીફખાન નાગોરી એ જણાવ્યા કે, 'નદીમ યાકુબખાન નાગોરીને ગરમીને કારણે ગભરામણ થતાં મહાજન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું હોસ્પિટલના તબીબ દ્રારા જણાવવામાં આવતાં સગાં-સબંધીઓને જાણ કરવામાં આવી હતી. તેને દફનવિધિ માટે લઈ તેની મૈયત લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેની દફનવિધિ પૂર્વે શરીરમાં હલનચલન થઈ હોવાનું કેટલાક ને જણાતાં ખાનગી ડોકટરને બોલાવ્યા હતાં. ત્યાંથી 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. જયાં ફીજીશીયન દ્રારા યુવાનનું મૃત્યૃ બે કલાક પહેલાં થયું હોવાનું જણાવતાં સારવારમાં મોડા પડયા હોવાનું માનવામાં આવી રહયું છે

(11:20 pm IST)