ગુજરાત
News of Tuesday, 11th June 2019

સ્કૂટી ટ્રકની અડફેટે આવતા બેના મૃત્યુ : ઉંડી તપાસ શરૂ

ગોંડલના ઉમવાડા ચોકડી પાસે અકસ્માત થયો : પુત્રીના નવા ઘરનું વાસ્તુ હોવાથી માતા અને પુત્રી શહેરથી ખરીદી કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માત

અમદાવાદ, તા.૧૦ : ગોંડલની ઉમવાડા ચોકડી પાસે સ્કુટી પર જઇ રહેલા એક માતા-પુત્રીને માંતેલા સાંઢની જેમ આવેલા ટ્રકચાલકે હડફેટે લેતાં આ ગંભીર અને ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીની કરૂણ મોત નીપજયા હતા. આઘાતજનક વાત એ હતી કે, મૃત્યુ પામનાર માતા ૬૪ વર્ષીય વૃધ્ધ હતા અને તેમની પુત્રી જુવાન ૩૪ વર્ષીય હતી. માતા-પુત્રીના કરૂણ મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. પુત્રીની નવા ઘરનું વાસ્તુ હોઇ માતા-પુત્રી શહેરમાંથી ખરીદી કરી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બનાવને લઇ સ્થાનિક પોલીસે પણ સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ શહેરના નેશનલ હાઈવે પર માર્કેટીંગ યાર્ડ પાસે દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહેતા નીતાબેન દિવ્યેશભાઈ ગોંડલીયા(ઉં.વ.૩૪) તેમજ તેમના માતા રસીલાબેન ઈશ્વરદાસ હરીયાણી (ઉં.વ. ૬૪)(રહેવાસી પારડી તાલુકો, લોધીકા) બપોરના ૧.૦૦ વાગ્યે ઉમવાડા ચોકડી પાસે સ્કૂટી પેપ ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવી રહેલા ટ્રક જીજે-૦૩ એ ઝેડ ૧૦૦૦ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં માતા-દિકરીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. હડમતાળા જીઆઇડીસીની કોસ્મો ટેક્નોકાસ્ટ ફેક્ટરીમાં નોકરી કરતા નીતાબેનના પતિ દિવ્યેશભાઈને અકસ્માતની જાણ થતા તેઓ સરકારી દવાખાને દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના સાસુમાં એટલે રસીલાબેન ગત રાત્રિએ જ ગોંડલ આવ્યા હતા. આગામી બુધવારે તેમના નવા ઘરનું વાસ્તુ હોઇ માતા-દીકરી શહેરમાંથી ખરીદી કરી પરત ઘર તરફ જઈ રહ્યા હતા અને ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. તેઓને સંતાનમાં એક નવ વર્ષનો પુત્ર છે, અકાળે પુત્રે માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમગ્ન અને આઘાતમાં ગરકાવ થયો હતો. નીતાબેન ગૃહિણીની સાથોસાથ ટિફિન કેટરિંગનો પણ વ્યવસાય કરતા હતા અને ઘર ગુજરાન ચલાવવામાં પતિનો સાથ આપતા હતા. માતા-પુત્રીના કરૂણ મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(8:19 pm IST)