ગુજરાત
News of Tuesday, 11th May 2021

મહેસાણા:કડીમાં પ્રેમ લગ્નની અદાવત રાખી હત્યા કરનાર બે આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી

મહેસાણા:દોઢ વર્ષ પહેલાં કડી શહેરમાં પ્રેમલગ્નની અદાવત રાખી પૂર્વયોજીત કાવતરૃં રચીને શરીફ ઘોરી નામના શખ્સની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓએ રેગ્યુલર જામીન મેળવવા કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર કરવાનો હૂકમ કર્યો હતો.

મહેસાણાથી કડી તરફ જઈ રહેલ શરીફ નાસીરખાન ઘોરીની કાર તા.૨૩-૯-૧૯ના રોજ રાત્રિના સુમારે જાસલપુર રોડ પર અટકાવી હૂમલાખોરોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ કરી હતી અને લોહીલુહાણ હાલતમાં તેને કડીના ચબૂતરા ચોકમાં નાખી દેવાયો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કડી પોલીસે ૭ શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરી ચાર્જશીટ ફ્રેમ કરી હતી. દરમિયાન આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી કાઝી અલ્ફાજ ઉર્ફે મકો યુસુફમીયાં ઉર્ફે બાબુ તેમજ મલેક અરબાજ ઉર્ફે બાબજી સલીમભાઈએ મહેસાણા સેસન્સ કોર્ટના જજ એ.પી.કંસારા સમક્ષ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવતાં સરકારી વકીલ ભરત જી.પટેલની દલીલો ગ્રાહ્ય રાખીને અદાલતે બન્ને આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.

(6:36 pm IST)