વડોદરા:દાંત સાફ કરવાના પાવડર વેચવાના બહાને ચોરીના ઇરાદે આવેલ ગઠિયાને પોલીસે ઝડપી 7 ગુનાહના ભેદ ઉકેલ્યા
વડોદરા:દાંત સાફ કરવાનો પાઉડર વેચવાના બહાને સવારે બંધ મકાનની રેકી કરી રાતે ચોરી કરતી સીક્લીગર ગેંગના બે આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પૂછપરછ દરમિયાન ચોરીના ૭ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,અગાઉ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો સતપાલસીંગ કિરપાલસીંગ જુની (રહે.વડનગર,જિ.મહેસાણા) હાલમાં તેની સાસરી લક્ષ્મીપુરા ગામમાં આવ્યો છે.સતપાલસીંગ અને તેનો સાળો અર્જુનસીંગ જનસીંગ ટાંક દિવસ દરમિયાન દાંત સાફ કરવાના પાઉડર વેચવા માટે બાઇક પર ફરે છે.અને વિવિધ સોસાયટી વિસ્તારના બંધ મકાનની રેકી કરે છે.ત્યારબાદ રાત્રે તે મકાનોમાં ચોરી કરે છે.જેથી,પોલીસે વોચ ગોઠવીને સાળા બનેવીને ઝડપી પાડયા હતા.સતપાલસીંગની પૂછપરછ દરમિયાન તેણ ેકબૂલ્યુ હતું કે,ગોરવા અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેણે કુલ ૭ ઘરફોડ ચોરી કરી છે.પોલીસે બંનેની શકમંદ હાલતમાં અટકાયત કરી છે.જ્યારે સતપાલને ચોરીના ગુનામાં મદદ કરનાર (૧)મલીન્દરસીંગ કિરપાલસીંગ જુની (૨)જંગસીંગ રતનસીંગ સીંકલીગર અને (૩) સતપાલસીંગની પત્ની કિરણકોરની શોધખોળ હાથ ધરી છે.પોલીસે આરોપી પાસેથી ચાર મોબાઇલ ફોન,બાઇક અને રોકડા રૃપિયા મળીને કુલ ૭૮ હજાર રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.