ગુજરાત
News of Saturday, 11th May 2019

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણ ગરમી ઘટી પરંતુ સાંબરકાંઠા, અંબાજી, અરવલ્લીમાં કમોસમી વરસાદ

અંબાજી: રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. સરેરાશ મહત્તમ તાપમાન 39 ડીગ્રીથી નીચું નોંધાયું છે. આ અસરને કારણે સાબરકાંઠા, અંબાજી અને અરવલ્લીમાં અચાનક વાતાવરણમાં પલટો આવી જતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તો હજી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં અચાનક આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાવાની સાથે ધૂડની ડમરીઓ ઉડી હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી, વિજયનગર, પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તો બીજી બાજુ હિંમતનગરમાં પણ પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું જોવા મળ્યું હતુ. તો જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કરાણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

જ્યારે બનાસકાંઠામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. હજુ આગામી બે દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાજીમાં વહેલી સવારે ચાર વાગ્યે ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા હતાં. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો થતાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. વહેલી સવારે ભિલોડા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. મોડાસા સહિત જિલ્લામાં ભારે પવન પણ ફૂંકાયા હતાં. વાતાવરણમાં ઠંડક અને વરસાદ પડતા ગરમીથી થોડી રહાત મળી હતી.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી 4થી 5 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે તેની કોઇ જ સંભાવના નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી, સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છમાં આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે. આ વરસાદની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે.

(4:41 pm IST)