ગુજરાત
News of Saturday, 11th May 2019

પાટણના સિધ્ધપુરમાં ખંડણી-હત્યાના ગુન્હામાં ર આરોપીઓને આજીવન કેદ

પાટણ, તા. ૧૧ :  સિદ્ધપુરના બેંક કર્મચારી હિતેશકુમાર ચંદુલાલ ઠાકરનો દિકરો દેવાંગ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતો હોય ૧૮ ઓગસ્ટ ર૦૧પ ના રોજ સવારે ૭/પપ કલાકના સુમારે કોલેજ જવા નીકળ્યા પછી તેઓ જયારે બેન્કમાં ગયા કે પછી અજાણ્યા શખ્સોએ દેવાંગનું અપહરણ કર્યાનું જણાવી રૂપિયા ૪૦ લાખની માંગણી કરી હતી અને પૈસા કયા આપવા તે માટે ર-૦૦ ફોન કરવાનું કહી ફોન બંધ કરી દીધો હતો. આ અંગેની ફરીયાદ દાખલ થતા પોલીસની તપાસમાં નીરવ અને ધવલ શેવરોલેર ગાડીમાં પાલનપુર ખાતે હીરાના વેપારીને મળવા જવાનું હોઇ ત્યાંથી બાલારામ જંગલમાં ફરવા જવાનું જણાવી બેસાડી લઇ ગયા હતા અને પાલનપુર પિત્રાસણી બાલારામ થઇ વિરમપુર અને હાથીદરા રોડ ઉપર હડુમા ચિકણવાસ ગામની સીમામાં મોત નિપજાવી જમીનમાં દાટી લીધો હતો તેવી હકીકત બહાર આવી હતી.

આ કેસ ચાલી જતા શુક્રવારે પાટણના એડિશનલ સેશન્સ જજ એમ.એચ. ચૌધરીએ સરકારી વકીલ એમ.ડી. પંડયા તેમજ બચાવ પક્ષના વકીલોને સાંભળ્યા બાદ આરોપી નિરવ અને ધવલને ઇપીકો કલમ ૩૬૩માં પાંચ વર્ષની કેદ અને રૂપિયા બે હજાર દંડ ન ભરે તો વધુ ચાર માસ સાદી કેદ, ઇપીકો કલમ ૩૬૪ (ક) અપહરણના ગુનામાં આજીવન કેદ અને રૂપિયા ૧૦ હજાર દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ, ઇપીકો કલમ ૩૦ર હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂપિયા ૧૦૦૦૦ ભરે તો વધુ છ માસની સાદી કેદ ઇપીકો કલમ ર૦૧ પુરાવાની નાશ કરવાના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને રૂપિયા ર૦૦૦ દંડ ન ભરે તો વધુ ચાર માસ સાદી કેદ જયારે ઇપીકો કલમ પ૦૬ (ર) ના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને રૂપિયા બે હજાર દંડ ન ભરે તો વધુ ચાર માસ સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો.

આ કેસમાં સરકારી વકીલ મિતેષ પંડયાએ એકનો એક દિકરો ગુમાવવાથી ફરીયાદીના ઘરમાં શૂન્યાવકાશ થઇ ગયેલ છે સમાજમાં ભય ઉત્પન્ન થાય તેવી સજા કરવાની જોગવાઇ છે. આંખ સામે અને પગ સામે પગની સજા કરવાની જોગવાઇ છે તેથી દેહાંત દંડની સજા કરવા અરજ કરી હતી. મૃતક દેવાંગના પિતા હિતેન્દ્રભાઇ માતા સોનલબેન અને બહેન રિદ્ધિકા બેને અમને મૃત્યુ દંડની સજાની આશા હતી પણ કોર્ટે જે ચુકાદો આપ્યો તે શિરોમાન્ય.

(3:47 pm IST)