ગુજરાત
News of Saturday, 11th May 2019

રાજકોટ બાદ અમદાવાદમાં પણ પબજી પર પ્રતિબંધ દુર

પબજી ગેમના ચાહકો માટે આનંદના સમાચાર :શહેર પોલીસ કમિશનર દ્વારા પબજી ગેમ ઉપર પ્રતિબંધ લાદતુ જાહેરનામું રિન્યુ નહી કરાતાં હવે પ્રતિબંધ નહી

અમદાવાદ,તા.૧૦ :  રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે પરત ખેંચાતા હાઇકોર્ટમાં પિટિશનનો નિકાલ થયો હતો અને પબજી ગેમ રમવા પર લીલીઝંડી મળી ગઇ હતી. રાજકોટમાં પ્રતિબંધ હટાવાયા બાદ અમદાવાદમાં પબજી ગેમ રમતા રસિયાઓમાં એક અવઢવ ઊભી થઇ છે કે, અમદાવાદમાં પણ પ્રતિબંધ ચાલુ છે કે કેમ? પરંતુ પબજી ગેમના ચાહકો માટે આનંદની વાત છે કે, હવે અમદવાદમાં પણ પબજી પરનો પ્રતિબંધ હટી ગયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંધે માર્ચ મહિનામાં જાહેરનામુ બહાર પાડીને પબજી ગેમ રમવા પર એક મહિના સુધી રોક લગાવી હતી. પબજી ગેમ પર રોક લગાવતું જાહેરનામુ રીન્યુ નહીં કરતા એપ્રિલ મહિનાથી પબજી પર કોઇ પ્રતિબંધ નથી.

પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી હતી. આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત હતા જેને લઇને રાજકોટ, સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસ કમિશનર દ્વારા બાળકોના હિતમાં નિર્ણય લઇને પબજી ગેમ પર પ્રતિંબધ મુક્યો હતો. ગત માર્ચ મહિનામાં અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે પબજી ગેમ પર પ્રતિંબધ લગાવવા માટેનું જાહેરનામું બહાર પાડ્યુ હતું. પોલીસ કંટ્રોલરુમના ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે, જાહેરનામું રિન્યૂ નહીં કરાતાં પબજી પર લગાવેલો પ્રતિંબધ હટી ગયો છે. જેને પગલે પબજી ગેમના ચાહકોને ખુશીના સમાચાર મળ્યા છે.

(8:15 pm IST)