ગુજરાત
News of Friday, 11th May 2018

ચાંદખેડા : પરિણીતાની પતિ, સાસુના ત્રાસથી આત્મહત્યા

પરિણીતાની માતાની પતિ-સાસુ વિરૂધ્ધ ફરિયાદ : બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ઘેરા શોક-અરેરાટીની લાગણી : ચાંદખેડા પોલીસની કેસમાં ઉંડી ચકાસણી શરૂ

અમદાવાદ,તા. ૧૧ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં  છ મહિનાનો ગર્ભ ધરાવતી એક પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગર્ભવતી પરિણીતાની આત્મહત્યાને લઇ સ્થાનિક રહીશોમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે પરિણીતાની માતાએ પતિ અને સાસુ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ચાંદખેડા પોલીસે આ સમગ્ર મામલામાં જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર સેક્ટર-૧૩માં રહેતાં અરૂણાબહેન શ્રીમાળીની મોટી પુત્રી કાજલ (ઉ.વ.રર)નાં લગ્ન એક વર્ષ અગાઉ ચાંદખેડા આઇઓસી રોડ પર આવેલા સરસ્વતીનગરમાં રહેતા ધવલ જયંતીભાઇ પંડ્યા સાથે કર્યાં હતાં. લગ્નના છ મહિના બાદ ધવલ અને તેની માતા મધુબહેન નાની નાની વાતમાં કાજલને મહેણાંટોણાં મારી મારઝૂડ કરતાં હતાં. આ અંગે તેણે તેની માતાને પણ વાત કરી હતી, જોકે ઘર ન ભાંગે તે માટે તેને સાથે રહેવા માટે સમજાવી હતી. ધવલ અને કાજલનાં સાસુ નાની નાની વાતમાં ટોર્ચર અને મારઝૂડ કરતાં હતાં. છ મહિનાનો ગર્ભ હોવાથી આવતા મહિને તેના સીમંતનો પ્રસંગ હોવાથી ખરીદી કરવા કાજલ તેની માતાના ઘરે ગઈ હતી ત્યારે પણ તેણે સાસુ અને પતિના ત્રાસ અંગે માતાને વાત કરી હતી. દરમ્યાનમાં ગઈકાલે બપોરે કાજલે તેના ઘરે પંખાએ લટકી આત્મહત્યા કરી લીધી હતી. કાજલના ગાલ અને ગાળાના ભાગે ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં. ચાંદખેડા પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે લાશને પીએમ અર્થે પણ મોકલી આપી હતી. ચાંદખેડા પોલીસે અરૂણાબહેનની ફરિયાદના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાજલે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તેની તપાસ શરૂ કરી છે. બીજીબાજુ, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(7:52 pm IST)