ગુજરાત
News of Monday, 12th April 2021

સુરતમાં તૈયાર થાય છે સ્મશાન, જ્યાં કોરોનાથી જીવ ગુમાવનારના થશે અંતિમ સંસ્કાર

સુરતમાં રાતો રાત એક નવું સ્મશાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ

સુરતમાં કોરોનાએ ભયજનક સપાટી કૂદાવી હોવાના કારણે લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. નિદાન, સારવારથી લઈ ઇન્જેક્શન મેળવવા સુધી તો હાડમારી ભોગવવી જ પડે છે પણ હદ તો ત્યારે થઈ કે મૃતદેહના અંતિમ સંસ્કારમાં પણ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને કેન્દ્રમાં રાખી સુરતમાં રાતો રાત એક નવું સ્મશાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં માત્ર કોરોનાથી મૃત્યુ પામેલા મૃતદેહને અંતિમ સંસ્કાર આપવામાં આવશે.હાલમાં જે સ્મશાનગૃહ ચાલુ છે ત્યાં અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવાનો વખત આવ્યો છે. ટોકન પદ્ધતિથી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આટલું અધૂરું હોય તેમ એક સ્મશાન ગૃહમાં તો અંતિમ સંસ્કાર માટે પણ રૂ. 2 હજારની લાંચ લેવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ તમામ મૂસિબતમાંથી લોકોને મુક્ત કરવા માટે સુરત મહાનગર પાલિકા અને ભાજપ દ્વારા પાલ ખાતે બંધ સ્મશાન ગૃહને પુનઃ કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાલમાં સ્મશાન ગૃહ હતું તે 2006ના વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલની કપરી સ્થિતિને ધ્યાને લઈ પંદર વર્ષ પછી આ સ્મશાન પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યું છે. જ્યાં વિશાળ મેદાન હોવાથી એક સાથે 40 મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શકશે. આ સ્મશાન ગૃહમાં માત્ર અને માત્ર કોવિડ-19માં મોતને ભેટેલાઓના જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હોવાના કારણે સંભવતઃ એકાદ બે દિવસમાં આ સ્મશાનગૃહ કાર્યરત થઈ જશે.

(11:22 pm IST)