ગુજરાત
News of Sunday, 11th April 2021

પીપીઈ કિટ પહેરીને પિતા કોરોનાગ્રસ્ત દીકરાને જમાડે છે

સિવિલમાં હૃદયદ્રાવક દ્રશ્યો : ૩ વર્ષની ઉંમરના કોરોનાગ્રસ્ત દર્દીના પિતા છેલ્લા ૧૦ દિવસથી દીકરાની સાથે શહેરની સિવિલ હોસ્પિટલમાં છે

અમદાવાદ,તા.૧૧ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. કોરોનાની આ નવી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે અનેક બાળકો સારવાર લઈ રહ્યા હોવાને કારણે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાગ્રસ્ત બાળકો માટે એક અલગ પિડિઆટ્રીક વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં દર્દીની સાથે એક વ્યક્તિને રોકાવાની મંજૂરી આપવામાં આવે છે. અહીં મોટાભાગે બાળકની સાથે માતા અથવા પિતામાંથી કોઈ એક રોકાય છે. ૩ વર્ષની ઉંમરના સૌરવના પિતા રામબીર રાજપુત પાછલા ૧૦ દિવસથી દીકરા સાથે સિવિલ હોસ્પિટલમાં છે. કફ અને તાવ જેવા લક્ષણો હોવાને કારણે સૌરવને ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો

          જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેના પિતા જણાવે છે કે, હું પીપીઈ કિટ પહેરીને મારા દીકરાનું ધ્યાન રાખુ છું. ડોક્ટર જણાવે છે કે તેના સ્વાસ્થ્યમાં સુધારો છે. તેમની બાજુના બેડ પર નોબલનગર વિસ્તારમાં રહેતા દુલાની મિરિયાની સારવાર ચાલી રહી છે, જેમને ૧૪ મહિનાની દીકરી માયેશા સાથે શનિવારના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. તે જણાવે છે કે, બે દિવસ પહેલા મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારા લક્ષણો સામાન્ય હતા માટે મને હોમ ક્વોરન્ટાઈન થવાની સલાહ આપવામાં આવી હતી. તે દરમિયાન મારી દીકરીને પણ તાવ આવવા લાગ્યો. અમે સમય વેડફ્યા વિના તેનો પણ રિપોર્ટ કરાવ્યો જેનું પરિણામ હજી આવ્યું નથી. આગળ જતા કોઈ તકલીફ ના થાય તે માટે તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રીટન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી જણાવે છે કે, હોસ્પિટલમાં અત્યારે ૧૨ કોરોનાગ્રસ્ત બાળકો સારવાર લઈ રહ્યા છે. વયસ્કોની સરખામણીમાં બાળકોમાં લક્ષણો હળવા હોય છે, પરંતુ આ લહેરમાં ગંભીર લક્ષણો ધરાવતા બાળકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

(7:58 pm IST)