ગુજરાત
News of Sunday, 11th April 2021

વડોદરામાં ઓપીડીમાં હવે સારવાર અપાઈ રહી છે

વડોદરામાં પણ કોરોના વકર્યો : ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને પણ વ્હીલચેર અથવા સ્ટ્રેચર પર ઓક્સિજન સપોર્ટ આપવામાં આવે છ

વડોદરા,તા.૧૧ : વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી પબ્લિક હોસ્પિટલ એસએસજીમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે દર્દીઓની સારવાર કોવિડ અને આઈસીયૂ વોર્ડની બહાર કરવાની નોબત આવી છે. કોવિડ વોર્ડ ભરાઈ ગયો હોવાને કારણે બેડ મળવાની રાહ જોઈ રહેલા દર્દીઓની સારવાર હોસ્પિટલની લોબી, ટ્રાયેજ તેમજ ઓપીડી વિસ્તારમાં સ્ટ્રેચર તેમજ વ્હીલચેર પર કરવામાં આવી રહી છે. ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને પણ વ્હીલચેર અથવા સ્ટ્રેચર પર ઓક્સિજન સપોર્ટ આપવામાં આવે છે. ય્સ્ઈઇજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. અહીં પણ રજા આપવામાં આવતા દર્દીઓ કરતા દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. શુક્રવારના રોજ બન્ને હોસ્પિટલમાં કુલ મળીને ૧૨૫૦થી વધારે કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

        દર્દીઓની આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોની ક્ષમતામાં અનેક વાર વધારો કર્યો હોવા છતાં બેડ ઉપલબ્ધ નથી હોતા. આ એક સપ્તાહમાં એસએસજી હોસ્પિટલની કુલ ક્ષમતા ૬૫૦ બેડથી વધારીને ૭૫૦ કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલના મેડિકલ સુપ્રીટન્ડન્ટ ડોક્ટર રંજન ઐયરે જણાવ્યું કે, અમે તમામ શક્ય પ્રયાસો કર્યા પરંતુ દર્દીઓનો ધસારો ઘણો જ વધારે છે. શરૂઆતમાં અમારી પાસે ૫૭૫ પથારીઓ હતી, જે વધારીને ૭૫૦ કરવામાં આવી છે. છતાં અત્યારે હોસ્પિટલમાં જગ્યા નથી. અમારા ૨૫૦ આઈસીયૂ બેડ પણ ભરાઈ ગયા છે. શનિવારના રોજ રિવ્યુ મીટિંગ કર્યા પછી સાઈકીઆટ્રી વોર્ડને પણ કોરોના વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યો છે, જેમાં ૫૦ ઓક્સિજન કોનસન્ટ્રેટર્સ મુકવામાં આવ્યા છે. પરંતુ જો જ આ ઝડપથી દર્દીઓની સંખ્યા વધશે તો આ વોર્ડ પણ ભરાઈ જશે. હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૪૦ દર્દીઓને રજા આપવામાં આવે છે, જેની સામે નવા ૯૦ દર્દીઓ દાખલ થાય છે.

           તેમણે આગળ જણાવ્યું કે, હોસ્પિટલ સ્ટાફ પાસે લોબી અથવા ટ્રાયેજમાં સારવાર કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. અમે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ દર્દીનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. દર્દીને પથારી મળે ત્યાં સુધી તેમને તાત્કાલિક રાહત મળે તે માટે ઓક્સિજન સપોર્ટ આપવામાં આવે છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પાછલા એક સપ્તાહમાં એકાએક વધારો થયો છે. ગત સપ્તાહની શરૂઆતમાં લગભગ ૧૦૦ આઈસીયૂ બેડ ખાલી હતી. ગોત્રી હોસ્પિટલમાં પણ દર્દીઓને કોવિડ ઓપીડીમાં સારવાર આપવામાં આવી રહી છે. ગોત્રી હોસ્પિટલના અધિકારી જણાવે છે કે, બન્ને હોસ્પિટલોમાં ૧૦૮ અથવા પ્રાઈવેટ એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા દર્દીઓને લાવવામાં આવે છે. એમ્બ્યુલન્સ પણ અન્ય દર્દીને લેવા જવાને કારણે ઉતાવળમાં હોય છે. માટે દર્દીને દાખલ કરવામાં આવે ત્યાં સુધી હોસ્પિટલનો સ્ટાફ તાત્કાલિક જે પણ સારવાર આપી શકે તે આપવા માંડે છે.

(7:57 pm IST)