ગુજરાત
News of Sunday, 11th April 2021

ઘરે સારવાર લેતાં દર્દીના સગાને રેમડેસિવીર રસી આપતા નથી

રેમડેસિવીર ઈન્જેક્શન માટે દોડાદોડ : ડૉક્ટર અથવા તેમના ઓથોરાઈઝ્ડ વ્યક્તિ આવશે તો જ અપાશે, તેમ કહી દર્દીના સગાંને પાછા મોકલાય છે!

અમદાવાદ,તા.૧૧ : કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો પછી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. દર્દીઓની સંખ્યા વધતાં કોરોનાની સારવારમાં વપરાતી રેમડેસિવીર દવાની પણ અછત વર્તાઈ રહી છે. દર્દીના સ્વજનો એક જગ્યાએથી બીજી જગ્યાએ આ દવા મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે. કેટલીય જગ્યાએ રેમડેસિવીર મેળવવા માટે દર્દીના સગાં લાંબા લાઈનમાં ઊભા રહે છે. અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાં તો ઈન્જેક્શન લેવા આવતા દર્દીઓના સગાં-સંબંધીઓને પાછા ધકેલવામાં આવી રહ્યા છે અને ડૉક્ટર અથવા તો ઓથોરાઈઝ્ડ વ્યક્તિને જ મળશે તેમ જણાવાઈ રહ્યું છે. આ સ્થિતિમાં ઈન્જેક્શનની કાળાબજારી, નફાખારો જેવી ગેરરીતિ સામે આવી રહી છે. કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવીર ઈન્જેક્શન મેળવાની વ્યવસ્થામાં પ્રસરેલો અરાજકતાનો માહોલ મહામારી નિયંત્રણમાં લેવાના સરકારના પગલાંની સફળતા સામે પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યા છે.

            હાલમાં સૌથી મોટો સવાલ કોરોનાના દર્દીઓને દાખલ કરવાનો તથા સારવારમાં વપરાતા રેમડેસિવીર ઈન્જેક્શન મેળવવાનો છે. તાજેતરમાં જ ઝાયડસ હોસ્પિટલ દ્વારા દર્દીઓને રાહતદરે ઈન્જેક્શન આપવાની શરૂઆત કરવામાં આવતાં દર્દીઓની લાઈનો લાગી હતી પરંતુ તે વ્યવસ્થા કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી છે. ત્યારે દર્દીઓના પરિજનો સરકારી હોસ્પિટલોમાં ઈન્જેક્શનો લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે. મેઘાણીનગર વિસ્તારમાં નર્સિંગ હોમ ધરાવતા ડૉ. વિરેશ એન. પટેલે સ્થાનિક અખબારને ગંભીર સ્થિતિ અંગે જાણકારી આપી છે. ડૉ. પટેલે કહ્યું, હોસ્પિટલોમાં જગ્યા નથી ત્યારે એવા અનેક દર્દીઓ છે જે નાછૂટકે ઘરે રહી તબીબી સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. આવા દર્દીઓના સગા જ્યારે જીસીએસ અથવા એસવીપી હોસ્પિટલમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન, દર્દી તથા લેવા જનારનો આધાર પુરાવો લઈને નિયમ પ્રમાણે ઈન્જેક્શન લેવા જનારનો આધાર પુરાવા લઈને નિયમ પ્રમાણે, રેમડેસિવીર ઈન્જેક્શન લેવા જાય ત્યારે તેમને ડૉક્ટર અથવા તેમના ક્લિનિકમાંથી ઓફિશિયલ લેટર લઈને ઈન્જેક્શન લેવા આવે તો જ આપવાનું જણાવામાં આવે છે. જેના કારણે દર્દીને જરૂર હોય છતાં ઈન્જેક્શન મળી શકતાં નથી. ડૉ. પટેલના કહેવા અનુસાર કેટલાય તબીબો એવા છે જેમની પાસે સ્ટાફ નથી કે એકાદ વ્યક્તિ જ છે પરંતુ તે દર્દીઓના ઘરે જઈને સારવાર આપે છે. આવા તબીબો દર્દીની સારવાર કરવા જાય કે ઈન્જેક્શનની લાઈનમાં ઊભા રહે તે અંગે નિર્ણય લેનારાઓએ વિચારવું જોઈએ. અમુક દર્દીઓ એવા છે જેમને ઈન્જેક્શનના અડધા ડોઝ મળ્યા છે જ્યારે નવા નિયમના કારણે બાકીના ડોઝ મેળવવામાં તકલીફ પડી રહી છે. ડૉ. વિરેશ પટેલે સરકારને વિનંતી કરી છે કે, આ સમસ્યાનું જલદી નિરાકરણ આવે અને હોસ્પિટલમાં જગ્યાની કમીના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે. ત્યારે તેમને જરૂરિયાત મુજબની દવા તથા ઈન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.

(7:55 pm IST)