ગુજરાત
News of Sunday, 11th April 2021

વલસાડમાં રવિવારે સ્વૈચ્છિક સજ્જડ બંધ : શહેરના તમામ વિસ્તારની દુકાનો બંધ રહેતા લોકડાઉનના દ્રશ્યો સર્જાયા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં રવિવારે વેપારીઓ દ્વારા સ્વચ્છતા બંધનો નિર્ણય લેવાયો હતો. જેને સજ્જડ પ્રતિસાદ મળતા સમગ્ર શહેર માં લોક ડાઉન જેવા દ્રશ્યો સર્જાયા હતા.
આજે સવારથી જ વલસાડ શહેરની તમામ દુકાનો બંધ જોવા મળી હતી જેને કારણે શહેરના રસ્તાઓ સુના પડ્યા હતા. સવારથી મેડિકલ સ્ટોર સિવાયની તમામ દુકાનો બંધ રહેતા પ્રથમ લોકડાઉન જેવા દ્રશ્યો સર્જાયા હતા.
વલસાડ એમજી રોડ, વીપી રોડ, સ્ટેડિયમ રોડ, હાલર રોડ, તિથલ રોડ આ તમામ રોડ સુના પડ્યા હતા. આ તમામ રોડ પર એકલ દોકલ વાહનોની અવરજવર જોવા મળી હતી. કોરોના ની ભયાનકતા સામે વલસાડના લોકો પણ જાગૃત થતાં જોવા મળ્યા હતા. જેના કારણે તેઓ પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા હોવાનું જોવા મળ્યું છે.
સવારથી શહેરની દવાની દુકાનો જ ખુલ્લી હતી આ સિવાય ખાણીપીણીની તમામ દુકાનો બંધ રહી હતી. શહેરનાં પ્રવાસન સ્થળો તિથલ બીચ અને કલ્યાણ બાગ પણ બંધ કરાવી દેવાયા હતા. જેના કારણે આ સ્થળો પણ સુમસામ બન્યા હતા. લોકોએ રવિવારે ઘરે રહી ને જ દિવસ પસાર કરવાનું મુનાસીબ માન્યું હતું

(5:07 pm IST)