ગુજરાત
News of Saturday, 10th April 2021

અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટતા તંત્ર હરકતમાં મનપા દ્વારા કોવીડ દર્દીઓ માટે 1250 બેડ વધારાયા

આઇસોલેશન વોર્ડ માટે 6500 જ્યારે એચ.ડી.યુ માટે 8000 હજાર પ્રતિ દિન ચાર્જ વસૂલવાનો રહેશે.

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને લઇને તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓ માટે 1250 બેડનો વધારો કરવામાં આવ્યો છે.અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ 13 હોસ્પિટલમાં 316 બેડ વધાર્યા છે. આ 13 હોસ્પિટલો પહેલાથી જ COVID હોસ્પિટલ હતી. જેમાં હોસ્પિટલોના હયાત બેડમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 52 હોસ્પિટલને કોવિડ માટે ડેડીકેટેડ કરીને 783 બેડ વધારવામાં આવ્યા છે . ડેડીકેટેડ કેર હોસ્પિટલમાં હાલમાં જે અન્ય દર્દીઓ છે, તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ પેશન્ટને દાખલ કરવાના રહેશે.

અમદાવાદમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 1409 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણને કારણે વધુ 14 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર પણ વધી રહ્યા છે. હોસ્પિટલમાં પણ બેડ ખુટી પડ્યા છે જેને કારણે તંત્ર દ્વારા કેટલીક ખાનગી હોસ્પિટલનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમાંથી કેટલીકને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાત માઈલ્ડ symptomatic દર્દીઓને આઇસોલેશનમાં રાખી શકાય તેમજ મોનીંટરીંગ કરી મેડિકેશન કરી શકાય તે માટે નવા 5 Covid કેર સેન્ટર ઊભા કરીને 151 બેડ નો વધારો કરવામાં આવ્યો છે. ડેડીકેટેડ કોવીડ હેલ્થ કેર સેન્ટરમાં નક્કી કરેલ ગાઇડ લાઇન અનુસાર સારવાર કરવાની રહેશે તેમજ નક્કી કરેલ ચાર્જ વસૂલ કરવાનો રહેશે. આઇસોલેશન વોર્ડ માટે 6500 જ્યારે એચ.ડી.યુ માટે 8000 હજાર પ્રતિ દિન ચાર્જ વસૂલવાનો રહેશે.

(12:25 am IST)