ગુજરાત
News of Sunday, 11th April 2021

પરીણિતા પર ત્રાસ બદલ પતિ, સાસુ-સસરાની સામે ફરિયાદ

કોરોનાના કહેરમાં સ્ત્રીઓ પરના અત્યાચારમાં વધારો : વડોદરામાં ૨૦ લાખ અને કાર માગનારા સાસરિયા સામે ૨૯ વર્ષીય યુવતીએ આખરે કાયદાનો આસરો લીધો

વડોદરા, તા.૧૦ : એક તરફ કોરોના કહેર અને બીજી તરફ સ્ત્રીઓ પરના અત્યાચારમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતની સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં સાસરિયાએ પિયરમાંથી ૨૦ લાખ રૂપિયા, કાર તથા મૃતક પિતાના વિમાના લાખ રૂપિયા માટે અવારનવાર પરિણિતાને શારીરિક અને માનસીક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. મામલે પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે મકરપુરા પોલીસે પતિ ચિરાગ શાહ, સાસુ ભાવના શાહ તથા સસરા ચંદ્રકાન્ત શાહ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને દહેજ પ્રથા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરની ૨૯ વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ તેમના લગ્ન ચિરાગ શાહ(રે. વિઠ્ઠલ નગર સોસાયટી, વડોદરા) સાથે થયા હતા. લગ્નના દિવસે યુવતી લગ્ન બાદ સાસરીમાં પહોંચતા પિતાના મોતના સમાચાર મળ્યા હતા. દરમિયાન મહિલાની માતાએ જણાવ્યું હતું કે, તારા સાસુ-સસરાને લગ્નના દિવસે ૨૦ લાખ અને તારા પિતાની કાર પણ માગી હતી અને યુવતીના મૃત પિતાના વીમાની રકમ રૂપિયા લાખ લાવવા માટે પણ પતિએ દબાણ કર્યું હતું. યુવતીના પતિને નોકરીના સ્થળે અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ સાસુને કરતા તેમાં શું ફેર પડે ? તેમ જણાવી વાત ટાળી દેતા હતા. દરમિયાન પતિ નશો કરેલી હાલતમાં આવી કારણ વગર ઝઘડા કરીને રાત્રિના સમયે વોટ્સએપ ઉપર અલગ-અલગ મહિલાઓ સાથે વાતો કરતો હતો. જે અંગે યુવતીએ ટોકતા મારઝૂડ કરીને તું મને છૂટાછેડા આપી દે નહીં તો તને જાનથી મારી નાખીશ તેમ કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. અવારનવાર ઘરમાંથી કાઢી મૂકતા પરિવારજનોએ ત્રણવાર સમાધાન કરીને યુવતીને પરત સાસરીમાં મોકલી હતી. છેવટે યુવતીએ પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે પતિ ચિરાગ શાહ, સાસુ ભાવના શાહ તથા સસરા ચંદ્રકાન્ત શાહ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને, દહેજ પ્રથા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:18 pm IST)