ગુજરાત
News of Sunday, 11th April 2021

વડોદરામાં ઓક્સિજનનો જથ્થો પણ ખૂટી પડ્યો

લોકોનો જીવ તાળવે ચોંટ્યો : વડોદરા શહેરમાં રોજ વપરાતા ૧૦ ટન ઓકિસજનને બદલે ૧૦૦ ટન ઓકિસજનનો વપરાશ થઈ રહ્યો છે

વડોદરા,તા.૧૦ : કોરોનાના વધતા કેસો વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે. જેને પગલે હોસ્પિટલોમાં ઈન્જેક્શનની કાળાબજારી શરૂ થઈ છે. તો બીજી તરફ, ઈન્જેક્શન લેવા પડાપડી થઈ રહી છે. લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ ઈન્જેક્શનો મળી નથી રહ્યાં. આવામાં ઝાયડસ હોસ્પિટલે રેમડેસિવીર મામલે મોટી જાહેરાત કરી છે. આજથી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન નહિ મળે તેની હોસ્પિટલે જાહેરાત કરી છે. ઝાયડસ કંપની દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, સ્ટોક પૂર્ણ થતાં કંપનીએ આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લગાવ્યા છે. તેથી આગામી સ્ટોક ઉપ્લબ્ધ થતાં માહિતી આપવામાં આવશે તેવુ કંપનીએ જણાવ્યું છે. જોકે, કંપનીની જાહેરાત છતાં ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવીર લેવા માટે લોકોની લાંબી લાઇન સાદી છે. દર્દીને ૩૦ ટકા કરતાં ઓછું ફેફસાનુ ઇન્ફેક્શન હોવા છતાં ડોક્ટરના પ્રીસ્કીપ્શનના આધારે ઈન્જેક્શન લેવા લોકોની ભીડ ઉમટી છે.

૨૫ ટકા ઇનફેક્શન ધરાવતા દર્દીના સગા પણ ઈન્જેક્શન લેવા માટે લાઇનમાં ઉભા છે. તો બીજી તરફ, વડોદરામાં રેમડેસિવર ઈન્જેક્શન બાદ હવે ઓકિસજનની અછત ઊભી થઈ છે. શહેરમાં રોજ વપરાતા ૧૦ ટન ઓકિસજનને બદલે હવે ૧૦૦ ટનનો વપરાશ થઈ રહ્યો છે. ભાવનગર અને હાલોલથી આવતો ઓકિસજનનો જથ્થો સમયસર આવ્યો હોવાથી કોવિડ હોસ્પિટલના સંચાલકોનો જીવ તાળવે ચોંટ્યો છે. ઓક્સિજનની અછત સર્જાતા વિનોદ રાવે ફિલિંગ સ્ટેશન ૨૪ કલાક ચાલુ રાખવાના આદેશ કર્યો છે. તો બીજી તરફ, સુરતમાં પણ સ્થિતિ વિકટ બની છે.

સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવીર ઇન્જેક્શન નહિ મળે, રેમડિસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઓછો છે, જે સિવિલ અને સ્મીમેરના દર્દીઓ માટે રિઝર્વ સ્ટોક છે. જેથી ખાનગી હોસ્પિટલને ઈન્જેક્શન નહિ અપાય. તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ જાહેરાત કરી કે, ભાજપ રેમડિસીવીર ઇન્જેક્શન આપશે. માટે ધારાસભ્ય હર્ષ સંઘવીએ જવાબદારી લીધી છે. ભાજપ ૫૦૦૦ રેમડેસીવીર ઇન્જેક્શન ખરીદશે. આજે સુરતમાં ૧૦૦૦ ઇન્જેક્શનનો જથ્થો આવશે. જરૂર પડ્યે વિનામૂલ્યે પણ ઇન્જેક્શન અપાશે.

(9:17 pm IST)