ગુજરાત
News of Thursday, 11th April 2019

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કચ્છના મોટા માથા જયંતિ ઠક્કરની SITએ કરી ધરપકડ:હત્યાના કાવત્રામાં સહયોગી

ભાડુતી હત્યારાઓને ચુકવવાની રકમમાં પાંચ લાખનો પોતાનો હિસ્સો પણ આપ્યો

 

અમદાવાદઃ ભાજપના નેતા જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં છબીલ પટેલ દ્વારા જયંતિ ભાનુશાળીની ભાડુતી હત્યારાઓ દ્વારા હત્યા કરાવી દેવાઈ હતી, મામલે છબીલ પટેલે એસઆઈટી સામે શરણાગતી સ્વાકારી લેતા તેમની ધરપકડ થઈ હતી પોલીસ રીમાન્ડ દરમિયાન એસઆઈટીને મળેલ જાણકારી મુજબ છબીલ પટેલના ભાગીદાર અને કચ્છનું મોટુ માથુ ગણાતા જયંતિ ઠક્કરે પણ હત્યાના કાવત્રામાં સાથ આપ્યો હતો અને ભાડુતી હત્યારાઓને ચુકવવાની રકમમાં પાંચ લાખનો પોતાનો હિસ્સો પણ આપ્યો હતો.

   ભાનુશાળીની હત્યા થાય તે પહેલા અમેરીકા ફરાર થઈ ગયેલા છબીલ પટેલે આખરે શરણાગતી સ્વાકારી લીધી હતી, પણ પોલીસ તપાસ દરમિયાન છબીલે કબુલ્યુ હતું કે ભાનુશાળીની હત્યા પહેલા અનેક મિટીંગો થઈ હતી તેમાં જયંતિ ઠક્કર પણ હાજર હતા, જયંતિ ઠક્કરને પણ ભાનુશાળી સાથે મનદુખ હતું તેમજ ભાનુશાળીની હત્યા થાય તો કચ્છના રાજકારણમાં પોતાને મોકળુ મેદાન મળે તેમ હતું, દિલ્હીમાં છબીલ પટેલ સામે નોંધાયેલી ફરિયાદ બાદ જયારે ભાનુશાળીની હત્યા કરવાનું નક્કી થયુ તેમાં જયંતિ ઠક્કરે પણ પોતાનો હિસ્સો આપવાની તૈયારી બતાડી હતી અને પાંચ લાખ રૂપિયા પણ ભાડુતી હત્યારા માટે આપ્યા હતા.

    એસઆઈટીને મળેલા અન્ય પુરાવામાં જયંતિ ઠક્કર કેસના ફરાર આરોપીઓ સાથે હત્યા પહેલા અને હત્યા બાદ પણ સંપર્કમાં હતા, કેસના આરોપી મનિષા ગોસ્વામી, નિખીલ થોરાટ અને સુજીત ભાઉ સાથે સતત સંપર્કમાં હોવાનું બહાર આવ્યુ છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે કેસ પછી ફરાર થયેલા છબીલ પટેલ અને તેમનો પુત્ર સિધ્ધાર્થ પોલીસ સામે હાજર થવા માગતો હતો પરંતુ જયંતિ ઠક્કર વિવિધ કારણો અને ડર બતાડી તેમને પોલીસથી દુર રાખી રહ્યા હતા, જયંતિ ઠક્કર અને છબીલ પટેલ અને ધંધામાં ભાગીદાર છે, પરંતુ હત્યામાં પણ ભાગીદારી કરતા પોલીસે જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાની ધરપકડ કરી છે.

(11:19 pm IST)