ગુજરાત
News of Thursday, 11th April 2019

વિશ્વના દેશો હવે ભારતીયોને સન્માન સાથે જોવા લાગ્યા છે

માલધારી સમાજના સંમેલનમાં વિજયભાઇ રૂપાણીનો દાવોઃ મોદીના અથાગ પરિશ્રમના કારણે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતો દેશ બની ગયો : ભ્રષ્ટાચારનો અંત

અમદાવાદ, તા. ૧૧: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાના સમર્થનમાં માલધારી સમાજના સંમેલનને સંબોધતા કહ્યું હતું કે, આ ચૂંટણી ઇમાનદાર સામે બેઈમાનોની છે. ૨૦૧૪ પહેલા ભારતને દુનિયાના દેશો એક ભ્રષ્ટ દેશ તરીકે જોતા હતા. ૨૦૧૪ પછી વિશ્વના દેશો ભારત અને ભારતીયોને સન્માનથી જોતા થયા છે. પહેલા વિશ્વમાં ભારત દેશ એક ગરીબ અને પછાત દેશ તરીકે ઓળખાતો હતો પરંતુ મોદીના અથાગ પરિશ્રમના કારણે ભારત આજે વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતો દેશ બન્યો છે. વિવિધ દેશોમાંથી ભારતમાં અઢળક મૂડીરોકાણ આવતું થયું છે. નવી ટેકનોલોજીથી વિવિધ ક્ષેત્રોમાં અસંખ્ય રોજગારીની તકો ઉભી થઇ છે. લોકતંત્રના મહાપર્વની ઉજવણી થઇ રહી છે ત્યારે મહાગઠબંધન અને કોંગ્રેસના નેતાઓ મોદી હટાવોની બૂમો પાડે છે જ્યારે મોદી ગરીબી હટાવો અને બેકારી હટાવો માટે સંઘર્ષ કરી રહ્યા છે. કોંગ્રેસે હંમેશા પરિવારવાદને પોસ્યો છે. દેશની જનતા સમક્ષ કોંગ્રેસે ખોટા વાયદાઓ કરીને યેનકેન પ્રકારે સત્તાના સુત્રો સંભાળીને ગરીબ, ખેડૂતો, પીડિત, શોષિતોનું શોષણ કર્યું છે. મોદીએ  ભારત દેશને સબળ, સુરક્ષાની દ્રષ્ટિએ સક્ષમ અને તમામ ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. માલધારી સમાજના સંમેલનમાં અગ્રણી લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. કોંગ્રેસે માત્ર વોટબેકની રાજનીતિ કરી છે. કોંગ્રેસે તેમના કુશાસન દરમિયાન વિવિધ રાજ્યોમાં અનામતના નામે જુદી જુદી જાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ કરાવીને આંદોલન કરાવ્યા છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ ગુજરાતમાં કરેલા અવિરત વિકાસ કાર્યોને જોઇને દેશના વડાપ્રધાન તરીકે મોદીને બનાવવાની વાત ઉઠી હતી. ત્યારબાદ તેમને સંપૂર્ણ બહુમતિ સાથે વિજય બનાવીને દિલ્હીની સત્તા સોંપી હતી. સત્તાના સુત્રો સંભાળતાની સાથે જ અગાઉની સરકારના કૌભાંડોને ઉજાગર કરીને કૌભાંડી નેતાઓને જેલના દરવાજા સુધી લઇ ગયા છે. સાથે સાથે ગુજરાત રાજ્યમાં અવિરત વિકાસયાત્રા જેમ જ દેશની વિકાસ યાત્રા શરૂ કરી છે. કોંગ્રેસે આતંકવાદને ખુલ્લુ સમર્થન આપ્યું છે. આતંકવાદના મુદ્દા ઉપર કોંગ્રેસના લોકો પુરાવા માંગી રહ્યા છે ત્યારે વિશ્વના દેશો ભારતની સાથે ઉભા છે.

(9:36 pm IST)