ગુજરાત
News of Monday, 11th March 2019

નવનિયુકત મંત્રીઓને વિભાગો ફાળવાયાઃ જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગઃ યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહઉદ્યોગ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુવઠો, ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નવ નિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગ,  યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજ્યકક્ષા વિભાગ સોંપવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, શનિવારે ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલા સમારોહમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા, ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ અને ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા અને યોગેશ પટેલ તથા ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. એ સમયે મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ ન હતી.

આ અગાઉ શુક્રવારે કોંગ્રેસના બે ધારાસભ્ય જવાહર ચાવડા(માણાવદર) અને પરસોત્તમ સાપરિયા (ધ્રાંગધ્રા)એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જેમાંથી જવાહર ચાવડા બપોરે જ ભાજપમાં જોડાઈ ગયા હતા અને શનિવારે તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા છે.

(11:39 pm IST)