ગુજરાત
News of Monday, 11th February 2019

વર્ષ ૨૦૨૦થી ધોરણ૧૦માં ગણિતના બે પ્રશ્નપત્ર રહેશે

ગણિતનો ભય દૂર કરવાના હેતુસર બોર્ડનો નિર્ણય : વિદ્યાર્થીને વિકલ્પ : હવે ગણિતના પેપરમાં મેથેમેટીક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટીક્સ બેઝિક એમ બે લેવલના પેપર

અમદાવાદ,તા.૧૧ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મળેલી બેઠકમાં વર્ષ ૨૦૨૦ થી ધો.૧૦ની પરીક્ષામાં બે લેવલના પ્રશ્નપત્ર લેવાનો બહુ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-૧૦ની પરીક્ષા પણ સીબીએસઇ(સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)પેટર્ન મુજબ, ગણિતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સત્ર ૨૦૨૦થી ધોરણ-૧૦ની પરીક્ષામા શિક્ષણ બોર્ડ ગણિતના બે લેવલના પેપર કાઢશે. જેમાં ધોરણ-૧૦ની પરીક્ષામાં ગણિતના પેપરમાં મેથેમેટીક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટીક્સ બેઝિક એમ બે લેવલના પેપર હશે. ધોરણ-૧૦ પછી ગણિત વિષય સાથે ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ ગણિત સ્ટાન્ડર્ડ લેવલ, જ્યારે ધોરણ-૧૦ પછી ગણિત નહીં રાખવા માગતા વિદ્યાર્થીઓ માટે ગણિત બેઝિક લેવલ પશ્નપત્ર તૈયાર કરવા પ્રસ્તાવ પસાર કરાયો છે. આ નિર્ણયને પગલે ગણિત વિષયના બે અલગ અલગ પાઠ્ય પુસ્તકો પણ તૈયાર કરાશે. જેમાં સામાન્ય પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે અંક ગણિત આધારિત અને વિજ્ઞાન પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે બીજ ગણિતનું પાઠ્યપુસ્તક તૈયાર કરાશે. બોર્ડે વિદ્યાર્થીઓમાં ગણિતનો ભય અને તણાવ દૂર કરવા આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બોર્ડના તમામ સભ્યોએ સહસહમતિથી સામાન્ય સભામાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું મનાઇ રહ્યું છે. બીજીબાજુ, બોર્ડના આ હકારાત્મક અને રાહતભર્યા નિર્ણયને પગલે વિદ્યાર્થી તેમ જ વાલીઓમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

(9:39 pm IST)