ગુજરાત
News of Monday, 11th February 2019

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું

અમદાવાદમાં પારો વધીને ૧૧.૫ ડિગ્રી થયો : ડિસા તેમજ નલિયામાં લઘુત્તમ તાપમાન હજુ પણ ૧૦થી નીચે : હળવા વરસાદી ઝાપટાની પણ તંત્ર દ્વારા આગાહી

અમદાવાદ, તા.૧૧ : ઠંડીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો થતાં ગુજરાતના લોકો આજે રાહત અનુભવી હતી. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં આંશિકરીતે વધારો થયો છે. જો કે, ઠંડા પવનોના કારણે હજુ પણ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ દમણ દાદરાનગર હવેલીમાં તથા ગુજરાત પ્રદેશમાં ઘણી જગ્યાઓએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે. આવી સ્થિતિમાં ઠંડીના ચમકારાને નકારી શકાય નહીં. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થશે અને પારો વધશે. આવતીકાલે અમદાવાદમાં પારો વધીને ૧૩ ડિગ્રી સુધી વધી શકે છે. આજે પણ સૌથી ઓછું તાપમાન નલિયામાં જ નોંધાયું હતું જ્યાં પારો ૭.૪ સુધી નીચે રહ્યો હતો. અલબત્ત છેલ્લા કેટલાક દિવસની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન વધીને ૧૧.૫ રહ્યો હતો. રાજ્યના જે ભાગોમાં પારો ૧૦થી નીચે રહ્યો હતો તેમાં ડિસામાં ૮.૬, વલસાડમાં ૯.૬ અને નલિયામાં ૭.૬નો સમાવેશ થાય છે. હાલમાં ઠંડીનો ચમકારો હોવા છતાં મોર્નિંગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.  હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ હાલ પારો યથાવત રહેવાનો અંદાજ છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધીને ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. અલબત્ત ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જારી રહી છે જેના કારણે એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ હિમવર્ષાની મજા માણવામાં આવી રહી છે પરંતુ રાજમાર્ગો ઉપર યાત્રી વાહનો અને ટ્રકોની લાંબી લાઇનો લાગી ગઈ છે. કારણ કે, ભારે હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરના મુખ્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફ નજરે પડે છે. વાહનો જ્યાં રોકાયા છે ત્યાં જ જીવન અટવાઈ પડ્યું છે. બરફને દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે જેની અસર પણ જોવા મળી શકે છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જોવા મળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જનજીવન પણ ખોરવાઈ ગયું છે. તીવ્ર ઠંડીના લીધે રાત્રિ ગાળામાં રસ્તાઓ પણ સુમસામ બની ગયાછે. ઠંડીના ચમકારા વચ્ચે હાલમાં લોકોને ગરમ વસ્ત્રોમાં રહેવાની ફરજ પડી શકે છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૧ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ........................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૧.૫

ડિસા............................................................... ૮.૬

ગાંધીનગર................................................... ૧૦.૨

વીવીનગર.................................................... ૧૧.૫

વડોદરા........................................................ ૧૦.૮

સુરત............................................................... ૧૩

વલસાડ.......................................................... ૯.૬

પોરબંદર...................................................... ૧૧.૮

રાજકોટ........................................................ ૧૧.૫

સુરેન્દ્રનગર................................................... ૧૨.૫

મહુવા.......................................................... ૧૦.૫

ભુજ............................................................. ૧૧.૭

નલિયા........................................................... ૭.૪

કંડલા એરપોર્ટ............................................... ૧૦.૧

કંડલા પોર્ટ....................................................... ૧૧

 

 

(8:25 pm IST)