ગુજરાત
News of Monday, 11th February 2019

IITE શિક્ષકની ખાડી દેશોમાં માંગ વધી ગઈ

રાજ્ય અને દેશ માટે ગૌરવની વાત : ૩૫૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત થઇ

ગાંધીનગર, તા. ૧૧ : IITEના શિક્ષકોની કુવૈત, આબુધાબી અને યુ.એ.ઈ જેવા ખાડીના દેશોમાં ભારે માંગ એ ગુજરાત અને રાષ્ટ્ર માટે ગૌરવ સમાન છે. ગુજરાતના શિક્ષકોની વિશ્વભરમાં માંગ ઉભી થાય તેવા વૈશ્વિક કક્ષાના શિક્ષકો તૈયાર કરવાના વિઝન સાથે તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ સેવેલું સ્વપ્ન આજે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટિચર્સ એજ્યુકેશનના માધ્યમથી સાકાર થઈ રહ્યું છે તેમ ગાંધીનગર ખાતે  IITEના પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ ઓપી કોહલીએ સંબોધન કરતાં જણાવ્યું હતું. રાજ્યપાલ કોહલીએ વિવિધ ફેકલ્ટીઓમાં ગોલ્ડ મેડલ અને પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં ૧૦ અને વર્ષ ૨૦૧૮માં ૧૪ વિદ્યાર્થીઓની ગલ્ફના દેશોમાં શિક્ષક તરીકે પસંદગી થઈ છે તે s IITEની સફળતા દર્શાવે છે. IITE દ્વારા ખાડીના દેશોના વિદ્યાર્થીઓને ઓનલાઈન ટીચર્સ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેના પરથી કહી શકાય કે IITE ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વકક્ષાએ પ્રસ્થાપિત થઈ છે. IITE એ છેલ્લા ૭ વર્ષમાં સ્પીડ,સ્કિલ અને સ્કેલમાં ખૂબ જ પ્રગતિ સાધી છે. શિક્ષણના માધ્યમથી જ માનવ અને સંસ્કૃતિનું કલ્યાણ શક્ય છે. વિશ્વની સૌથી જૂની એવી તક્ષશિલા અને નાલંદા જેવી ઉચ્ચકક્ષાની વિશ્વ વિદ્યાલયો ભારત પાસે હતી. શ્રેષ્ઠ વિદ્યાલયો અને ગુરૂકુળ જેવી શિક્ષણ પ્રાણાલીના પરિણામે આજે વિશ્વની મોટી-મોટી કંપનીઓના CEO-વડાઓ ભારતીય છે તેમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષક સંવેદનશીલ અને કુશળ હોવો જોઈએ. વિદ્યાર્થી પ્રત્યે સંવેદના ધરાવો તો જ  વિદ્યાર્થીમાં માનવીયતાના ગુણો વિકસી શકે. શિક્ષણ રોજગારીની સાથે-સાથે વ્યક્તિ ઘડતર-નિર્માણનું કાર્ય પણ કરે છે તેમ પણ રાજ્યપાલશ્રી કોહલીએ જણાવ્યું હતું. રાજ્યપાલ કોહલીના હસ્તે દીક્ષાંત સમારોહમાં અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ૪૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત કુલ ૩૫૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં MSC. B.ed ના ૧૧ તેમજ  BSC. B.ed અને BA. B.ed ના ૩૩૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

 

(7:38 pm IST)