ગુજરાત
News of Monday, 11th February 2019

હિન્દુસ્થાન નિર્માણ પાર્ટી ખાટલા બેઠકો કરશે

મેં મારી હોસ્પિટલ પણ દાનમાં આપી દીધી છે, સતા અને સંપતી માટે લડતો નથીઃ ડો. તોગડિયા :ગામડાઓમાં ખેડુતોના પ્રશ્નોને અને શહેરોમાં રોજગારી- આરોગ્યના પ્રશ્નો પર વધુ ભાર

રાજકોટ, તા. ૧૧ : વિશ્વ હિન્દુ પરિષદથી અલગ પડીને હિન્દુસ્થાન નિર્માણ પાર્ટીની સ્થાપના કરનાર ડો.પ્રવીણભાઈ તોગડિયાએ શહેરો અને ગામડાઓમાં પાર્ટી દ્વારા સંગઠનના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજી જનજાગરણ કરવાનું જાહેર કર્યુ છે.

ડો.તોગડિયાએ જણાવેલ કે ગામડાઓમાં ખાટલા બેઠકો અને જૂથ બેઠકો કરવામાં આવશે. પાક પણ ખેડૂતનો અને ભાવ પણ ખેડૂતનો એ બાબત ધ્યાને રાખી લડત ચડાવાશે. કપાસ અને મગફળીના કિવન્ટલના મિનિમમ રૂપિયા ૧૩૦૦ થી ૧૫૦૦ ખેડૂતોને મળવા જોઈએ. ગામડાઓમાં ખેડૂતોના પ્રશ્નો અને શહેરોમાં યુવાનોને રોજગારી, આરોગ્ય, શિક્ષણ વગેરે મુદ્દા ઉઠાવવામાં આવશે. ઉપરાંત અયોધ્યામાં રામ અને કાશ્મીરના પથ્થરબાજોને શાંત કરવાનો મુદ્દો પણ રહેશે.

ડો.તોગડિયાએ એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે, લોકસભાની ચૂંટણીમાં અમારી પાર્ટી ૪૦૦ જેટલા ઉમેદવારો ઉભા રાખવા માગે છે. મને અયોધ્યાથી લડવા આગ્રહ છે. આખરી નિર્ણય બધા ભેગા મળીને કરશે.

ગુજરાતમાં વણિકર ભવન કાર્યાલયના વિવાદ અંગે તેમણે જણાવેલ કે, ભાજપ સરકારે પોલીસનો દુરૂપયોગ કરી કાર્યાલયનો કબજો સંભાળ્યો છે. મે મારી હોસ્પિટલ પણ દાનમાં આપી દીધી છે. હું સત્તા અને સંપતિ માટે લડનારો માણસ નથી. જનતા માટે કાયમ લડતો રહીશ.

(3:47 pm IST)