ગુજરાત
News of Monday, 11th February 2019

સતત બીજા દિવસે પણ રેશનીંગ દૂકાનદારોની હડતાલઃ વિતરણ ઠપ્પઃ લોકોમાં ભારે દેકારો

રાજકોટની ૭૦૦ સહિત રાજ્યભરની ૫૫૦૦ દુકાનો સજ્જડ બંધ રહી

રાજકોટ તા.૧૧: રેશનીંગ દુકાનદારોએ કમિશન વધારવા સહિતની કેટલીક માંગણીએ સરકારના પુરવઠા વિભાગ સમક્ષ છેલ્લા કેટલાક સમયથી રજુઆતો કરી હતી. પરંતુ હજુ સુધી દુકાનદારોની માગણીઓ સ્વીકારવામાં આવી નથી. જેના વિરોધમાં ગઇકાલે અને આજે પણ બીજા દિવસે, રેશનીંગ દુકાનદારોએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે.નવી લાગુ કરેલી બારકોડ રેશનકાર્ડ કુપનો કોમ્પ્યુટરમાં લોગઇન થઇ જનરેટ નહી કરી વિરોધ કરી રહ્યાં છે. બે દિવસ દરમિયાન રાજ્યની રર હજાર જેટલી રેશનીંગ દુકાનો બંધ રહેતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોએ ભારે હાંલાકીનો સામનો કરવો પડયો છે. ગરીબ પરિવારોને રેશન મળતું નથી. જયારે પણ દુકાને જાય છે ત્યારે દુકાનદારો તેમને કુપન કાઢી આપતા નહીં હોવાની ફરિયાદ ઉઠી છે.આજે સતત બીજા દિવસે રાજકોટ શહેર-જિલ્લાની ૭૦૦ સહિત રાજ્યભરમાં પપ૦૦થી વધુ રેશનીંગ દુકાનો બંધ રહી હતી, લોકોને પારાવાર ધક્કા થયા હતા, પુરવઠા કચેરીએ લોકો દોડી આવ્યા હતા, વિતરણ વ્યવસ્થા ખોરવાઇ પડી હતી, ભારે દેંકારો મચી ગયો હતો.(૧.૫)

(11:34 am IST)