ગુજરાત
News of Monday, 11th February 2019

ગુજરાતમાં નોટબંધી વખતે રૂ. ૨.૫ લાખથી વધુ જમા કરનાર ૨,૨૨૬થી વધુને નોટીસ

ITના કેટલા કર્મચારીએ નોટબંધીમાં નાણાં જમા કરાવ્યા?: આટીઆઇનો જવાબ હજી સુધી અરજદારને અપાયો નથી

ગુજરાતમાં નોટબંધી રૂ.૨.૫ લાખથી વધુ રોકડ રકમ જમા કરાવવા મુદ્દે ઇન્કમટેકસ વિભાગ દ્વારા ૨૨૨૬થી વધુ કરદાતાને નોટિસ આપવામાં આવી હતી. જોકે ઇન્કમટેકસ વિભાગના જ કેટલા કર્મચારીઓએ નોટબંધીમાં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની રોકડ રકમ જમા કરાવી હતી અને તેમની સામે શું પગલાં લેવાયા તે અંગેની આરટીઆઇમાં આપવામાં આવતી નથી. આમ ઇન્કમટેકસ વિભાગના બેવડાધોરણ હોવાનું બહાર આવ્યું છે.

આજકાલ આગામી લોકસભાની ચૂંટણીને લઇને દેશમાં વિવિધ મુદ્દે અને મોદી સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં લેવામાં આવેલા વિવિધ નિર્ણયો પર વાદ વિવાદ જોરશોરથી ચાલી રહ્યો છે. મોદી સરકારે લીધેલા નિર્ણયો યોગ્ય હતા કે નહી તથા આ નિર્ણયોની અસર જોવાની પહેલ કોઇ કરી રહ્યું નથી. આવામાં વડોદરાના રહેવાસી અને કાયદાનું શિક્ષણ લઇ રહેલા વિદ્યાર્થી અમીષ દાદાવાલાએ ગુજરાતના ઇન્કમટેકસના પ્રિન્સિપાલ ચીફ કમિશનરને એક આરટીઆઇ કરીને એ જાણવાની કોશિશ કરીકે, પીએમ મોદી દ્વારા લેવાયેલો નોટબંધીનો નિર્ણય કેટલો અસરકારક રહ્યો ?

આરટીઆઇ દ્વારા જે માહિતી માગવામાં આવી હતી તેમાં બે મુખ્ય મુદ્દા હતા. જેમાં ૧.ગુજરાતના પ્રિન્સિપાલ કમિશનર દ્વારા કુલ કેટલા લોકોેને હજાર, પાંચસોની નોટ નોટબંધીના સમયમાં બેંકમાં જમા કરાવવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. ૨. ઇન્કમટેકસ વિભાગના કુલ કેટલા કર્મચારીઓએ નોટબંધીના સમયમાં બેંકોમાં હજાર અને પાંચસોની નોટો જમા કરવી છે અને તેમની સામે વિભાગે શું પગલાં લીધા હતા ?

અમીષ દાદાવાલાના જણાવ્યા મુજબ નવાઇની વાત એવી રહી હતીકે, ગુજરાતના પ્રિન્સિપાલ કમિશનરને કરવામાં આવેલી એક આરટીઆઇના જવાબમાં કુલ ૯૪ આરટીઆઇ ટ્રાન્સફર ઓર્ડર, ૮૪ જેટલા આરટીઆઇની અરજીને વિવિધ ગેરવાજબ અને ગેર કાનૂની કારણોસર રદ કરવાના ઓર્ડર અને ૭૫ જેટલા જવાબ મળ્યા હતા.જેમાં ગુજરાતમાં કુલ ૨૨૨૬ જેટલા કરદાતાઓને ઇન્કમટેકસ વિભાગે નોટબંધી દરમિયાન રોકડા નાણાં જમા કરવવા મુદ્દે નોટિસ મોકલી છે. જોકે આ આંકડાઓ અધૂરા છે કારણકે ૮૦થી પણ વધુ વોર્ડ ઓફિસરોએ આરટીઆઇનો જવાબ આપવાનું ટાળ્યું હતું. અરજદારે આઇટીઓના હુકમથી નારાજ થઇને પ્રથમ અપીલ દાખલ કરી અને ઉપલા અધિકારીને જણાવ્યું હકે આરટીઆઇ દ્વારા માગવામાં આવેલ માહિતી , માહિતીના અધિકારીહેઠળ આવે છે. કારણકેર ઉપરોકત માહિતી લોકસભામાં વડોદરાના સાંસદ દ્વારા માગવામાં આવી હતી અને આરટીઆઇ અધિનિયમ કલમ ૭ જે અનુસાર સંસદ અને વિધાનગૃહમાં માગવામાં આવેલ તમામ માહિતી આ અધિનિયમ હેઠળ માહિતી તરીકે ગણવાની રહે છે.

ઇન્કમટેકસ વિભાગના નામથી જ જયાં ફફડાટ વ્યાપી જતો હોય ત્યારે ઇન્કમટેકસ વિભાગ પોતે પોતાના કર્મચારીઓ પ્રત્યે કેવો અભિગમ ધરાવે છે અને સામાન્ય કરદાતાઓ પ્રત્યે કેવો અભિગમ ધરાવે છે ?? એ તપાસ હજી ચાલુ છે કારણકે, આરટીઆઇમાં માગવામાં આવેલ માહિતી કે વિભાગના કેટલા અધિકારીઓએ હજાર , પાંચસોની નોટો બેંકમાં ભરી છે ? એનો કોઇ જ જવાબ કોઇ પણ વોર્ડ, સર્કલે કે કમિશનરે આપ્યો નથી. (૨૧.૭)

(10:21 am IST)