ગુજરાત
News of Monday, 11th February 2019

લુણાવાડા પાસે જંગલમાં વાઘ હોવાની વાતથી તંત્ર દોડતું થયું

અધિકારીઓ દ્વારા વાઘ હોવાની પુષ્ટિ માટે પ્રયાસ : વાઘ હોવાનો ફોટો વાયરલ થતાં વનવિભાગ અને સરકારી તંત્રમાં ખુશી : ૧૯૯૨થી વાઘ રાજ્યમાં ન હોવાથી ખુશી

અમદાવાદ,તા. ૧૦ : મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસેના જગંલ વિસ્તારમાં વાઘ હોવાની માહિતી સામે આવતાં તેની સત્યતા ચકાસવા વનવિભાગના અધિકારીઓએ આજે ભારે જહેમત અને દોડધામ મચાવી મૂકી હતી.  લુણાવાડા ગઢ ગામની સીમમાં વાઘ દેખાયાની તસ્વીર સ્થાનિક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. આ ફોટો વાયરલ થતા મહીસાગર વન વિભાગ હરકતમાં આવ્યું હતુ. વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત ૪૫ ગામમાં ૪૦૦થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વનવિભાગે વાઘ હોવાની જે માહિતી સામે આવી હતી, તેની પુષ્ટિ માટે, સંભવિત સ્થાનો, જંગલ વિસ્તાર અને પાણી પીવાના સ્થાનો પર ગુપ્ત રીતે ફોરેસ્ટના કર્મચારી તૈનાત કરી સીસીટીવી લગાવી દીધા હતા કે જેથી વાઘ દેખાય તો તેની પુષ્ટિ થઇ શકે. ફોરેસ્ટર રોહિત પટેલ અને તેમની ટીમે તસવીરમાં દેખાતા સ્થળોની તપાસ કરતાં વાઘ હોવાની સંભાવના સાચી જણાઈ હતી, જેને લઇ તંત્રને પણ આશા જાગી છે. આમ છ મહિના બાદ ફરીવાર ગુજરાતમાં વાઘે દેખા દીધા હોવાની ચર્ચા ઉઠવા પામી છે. આ પહેલા ગત તા.૨૫ જુલાઈના રોજ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદી કોકણીપાડા જંગલમાં વાઘનું અસ્તિત્વ હોવાની પુષ્ટી મહારાષ્ટ્ર નંદુરબાર વન વિભાગના ડી.સી.એફ. સુરેશ કેવટે કરી હતી. આ દરમિયાન જોવા મળેલા પંજાના નિશાન વાઘના હોવાનો અહેવાલ નાગપુર વાઈલ્ડ લાઈફ લેબમાંથી આવ્યો હતો. આમ ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘ દેખાવાની શરૂઆત થઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(એનટીસીએ)મુજબ, ગુજરાતમાં છેલ્લે ૧૯૮૫માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. જયારે ૧૯૯૨માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. હાલ ગુજરાતમાં વાઘ નથી. જો કે ભૂતકાળમાં વાઘ દેખાયા હોવાના દાવાઓ ઘણા થતા રહ્યા છે. તેમજ મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગના જંગલમાં વાઘ આંટોફેરો કરી જતા હોવાનું મનાય છે. જો ગુજરાતમાં વાઘ હોવાનો નક્કર પુરાવો મળે તો રાજ્યમાં ત્રણ મોટાં પ્રાણીઓ એવા સિંહ, વાઘ અને દીપડો એમ ત્રણેય જંગલી પ્રાણી જોવા મળી જાય એવું પ્રથમ રાજ્ય બનશે. ગુજરાત અને વાઘનો સંબંધ દાયકાઓ જુનો છે. વર્ષ ૧૯૭૯માં સ્પેશિયલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એમ.એ.રશીદે વાઈલ્ડલાઈફ જર્નલ ચિતલ માં ગુજરાતમાંથી વાઘની સંખ્યા ઘટી રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. લગભગ બે દાયકા પહેલાં ૧૯૯૮માં મહારાષ્ટ્રની સરહદે ડાંગના જંગલોમાં વાઘ જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પહેલા થોડા સમય પહેલા પણ ડાંગના જંગલમાંથી મળી આવેલા વાઘના મળના નમૂનાને આધારે નાસિક જિલ્લાને અડીને આવેલા ડાંગના જંગલોમાં વાઘની વસ્તી હોવાની શકયતા ઉઠી હતી. હવે ફરી એકવાર મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસેના જંગલ વિસ્તારમાં વાઘે દેખા દીધી હોવાની વાત સામે આવતાં વનવિભાગના અધિકારીઓ સહિત સરકારી તંત્રને મોટી આશા જાગી છે.

૭૦ ટકા વાઘ ભારતમાં

અમદાવાદ,તા. ૧૦ : વાઘના અસ્તિત્વની વાત કરીએ તો, સમગ્ર વિશ્વના કુલ વાઘમાંથી ૭૦ ટકા વાઘ ભારતમાં છે અને તેમની સંખ્યા ૨૦૦૬માં ૧,૪૧૧થી વધીને ૨૦૧૪માં ૨,૨૨૬ થઈ છે. વાઘની વસતી ગણતરી ૨૦૧૪ અનુસાર, દેશના ૧૮ રાજ્યોમાં વાઘ જોવા મળે છે. ઝારખંડ રાજ્યમાં પલામુ રીઝર્વમાં વાઘ જોવા મળે છે. કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને ગોવાના સમાવેશ સાથેના વેસ્ટર્ન ઘાટ્સ લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સમાં ૭૭૬ વાઘ છે. આંધ્રપ્રદેશ (તેલંગાણા સહિત), છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીશા, રાજસ્થાન અને ઝારખંડના સમાવેશ સાથેના સેન્ટ્રલ ઇન્ડિયન લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સ અને ઇસ્ટર્ન ઘાટ્સ કોમ્પ્લેક્સમાં ૬૮૮ વાઘ જોવા મળે છે. જ્યારે રાજ્ય પ્રમાણે, કર્ણાટકમાં સૌથી વધુ ૪૦૬ વાઘ નોંધાયા હતા, ત્યારબાદ ઉત્તરાખંડમાં ૩૪૦ વાઘ અને મધ્યપ્રદેશમાં ૩૦૮ વાઘ નોંધાયા હતા.

(9:03 pm IST)