ગુજરાત
News of Monday, 11th January 2021

પ્રથમ ક્રમના યુવકની નોકરી ચોથા ક્રમના યુવકને અપાઈ

સરકારી નોકરી માટે મહેનત નહીં રૂશ્વત જરૂરી છે : નિરાશ યુવકે કોર્ટના દ્વારે, યુવાને લેખિત પરીક્ષામાં સૌથી વધુ ૨૩૧ તથા ઈન્ટરવ્યુમાં ૨૦૯ માર્ક્સ મેળવ્યા હતા

સુરત, તા.૧૧ : સરકારી નોકરીઓ મેળવવામાં માટે હાલમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઈન્ટર્વ્યુમાંથી પસાર થવું પડતું હોય છે. સારી સરકારી નોકરી મેળવવા માટે લોકો આકરી મહેનત કરતા હોય છે પરંતુ જ્યારે તેમને ખબર પડે કે તેમની લાયકાત અને રેક્ન સારો હોવા છતાં તેમનાથી ઓછા માર્ક્સ મેળવનારને નોકરી મળી ગઈ છે ત્યારે મોટો આઘાત લાગે છે. આવી ઘટના સુરતના એક યુવક સાથે બની છે.

સરકારી નોકરી મેળવવા માટે યુવકે તનતોડ મહેનત કરી હતી અને પરીક્ષામાં તેનો પ્રથમ નંબર પણ આવ્યો હતો. જોકે, યુવકે દાવો કર્યો છે કે ભ્રષ્ટ અધિકારી અને લાગવગ ધરાવતા અધિકારીએ પરીક્ષામાં પ્રથમ આવેલા યુવકની નોકરી ચોથા ક્રમે પાસ થયેલા યુવકને આપી દીધી છે. પોતાના હકની નોકરી મેળવવા માટે યુવક હવે કોર્ટમાં ગયો છે અને મુખ્યમંત્રી પર પણ આક્ષેપો કર્યા છે.

સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા જતિને સરકારી નોકરી માટે મહેનત કરી હતી. તેવામાં ૨૦૧૯માં બરોડા કોર્પોરેશન ખાતે કાર્યપાલક ઈજનેરની જગ્યા માટે ઓનલાઈન ભરતી શરૂ થઈ હતી. સરકારી નોકરી માટે આમ પણ ઓછી જગ્યા માટે હજારો અરજીઓ આવતી હોય છે. નોકરી માટે પણ હજારોની સંખ્યામાં અરજીઓ આવી હતી.

પદ માટે પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારબાદ ઈન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા. તેવામાં જતિને લેખિત પરીક્ષામાં સૌથી વધુ ૨૩૧ માર્ક્સ મેળવ્યા હતા તથા ઈન્ટરવ્યુમાં ૨૦૯ માર્ક્સ મેળવીને પ્રથમ આવ્યો હતો. પરંતુ બાદમાં તેને જાણ થઈ હતી કે સરકાર દ્વારા ચોથા ક્રમે પાસ થયેલા ધાર્મિક દવે નામના યુવકને નોકરી આપી દેવામાં આવી છે.

જેના કારણે જતિને નોકરી મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો છે. પોતે પ્રથમ ક્રમાંક હોવા છતાં ચોથા ક્રમે આવેલા યુવકને નોકરી આપી દેવામાં આવતા તેણે મુખ્યમંત્રીને પણ લેખિતમાં અરજી કરી હતી.

(8:59 pm IST)