ગુજરાત
News of Monday, 11th January 2021

માવઠાના કારણે સુરતના ઉમરપાડા તાલુકામાં ખેડૂતોની માઠીઃ ઘાસચારો-શાકભાજી સહિતના પાકને ભારે નુકશાન

સુરતઃ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આપ્યો છે. ખેડૂતોએ પશુ માતે ભેગા કરેલ ઘાસચારો, શાકભાજી સહિતના પાકને નુકસાન થયું છે. હજુ બે દિવસ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે શિયાળાની સીઝનમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠા રૂપી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા 8 અને 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ કમોસમી વરસાદ થતા ઉમરપાડા તાલુકાના ખેડૂતોને નુકસાન થયું છે. શષાકભાજી, ચણા, બાજરી સહિતના પાકોને નુકસાન થયું છે.

તો ખેડૂતોએ પોતાના પશુ માટે ભેગો કરેલો ઘાસચારો પણ પલળી ગયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે. સમગ્ર ઉમરપાડા તાલુકામાં માવઠાની અસર થઇ હતી. ખાસ કરીને જુના ઉમરપાડા વિસ્તારમાં રહેતા ખેડૂતોને માવઠાના કારણે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પશુ ઘાસ ચારો, શાકભાજી, બાજરી, ચણા, કપાસ, ઘઉં સહિતના પાકોને વરસાદથી નુકશાન થવા પામ્યું છે. તો આ નુકસાન બાદ ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યાં છે.

(5:23 pm IST)