ગુજરાત
News of Monday, 11th January 2021

નિકોલી ગામની સીમમાં ખેતરમાં કામ કરતા 2 મજૂરો પર ખુંખાર ડુક્કરે હુમલો કરતા એકની હાલત ગંભીર : વડોદરા રીફર કરાયા

ખેતરમાં કામ કરતા એક આધેડ મજૂર પર ડુક્કરે હુમલો કરતા તેમણે બુમાબુમ કરતા બાજુના ખેતરમાંથી અન્ય યુવાન મજૂર દોડી છોડાવવા જતા બંનેને બચકા ભર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં થોડાક દિવસો પહેલા જ નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામમાં કપિરાજએ આતંક મચાવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું ત્યારે આજે સાંજે નાંદોદ તાલુકાના નિકોલી ગામના ખેતરમાં ડુક્કરે આતંકમચાવતા બે મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નિકોલી ગામની સિમમાં કામ કરી રહેલા શનભાઈ હાનિયાભાઈ વસાવા (62) સાંજે લગભગ 6 વાગે ખેતરમાં મજૂરી કામ કરતા હતા તે સમયે અચાનક એક ખુંખાર ડુક્કર ત્યાં આવી તેમની ઉપર ત્રાટક્યું હોય તેમને બચકા ભરતા બુમાબુમ કરતા બાજુના ખેતર માં કામ કરતા જગદીશ લક્ષમનભાઈ વસાવા(37)આધેડની બુમો સાંભળી બચાવવા દોડી આવ્યો પરંતુ આ આતંકી ડુક્કરે તેની ઉપર પણ હુમલો કરતા બંનેને ઇજાઓ થઈ હતી જેમાં આધેડ શનાભાઈને આંતરડાના ભાગે ગંભીર ઇજાઓ થતા બંને ને 108 મારફતે રાજપીપળા સિવિલ લવાયા જ્યાં પ્રાથમિક સારવાર બાદ આધેડ વયના શના ભાઈને હાલત ગંભીર જણાતા ફરજ પરના તબીબે તેમને વડોદરા રીફર કર્યા હતા.જ્યારે જગદીશ વસાવાને પ્રાથમિક સારવાર આપી હતી.ડુક્કર ના આતંકી હુમલાથી ગ્રામજનો માં ફફડાટ ફેલાયો હતો.
સિવિલ ખાતે હાજર નિકોલી ગામના લોકોના જણાવ્યા મુજબ આ આતંકી ડુક્કર બીજા લોકોને શિકાર ન બનાવે તે માટે લોકોએ તેની ટ્રેક્ટર નીચે કચડી મોતને ઘાટ ઉતારી દેતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો

(11:13 pm IST)