ગુજરાત
News of Saturday, 11th January 2020

લૂંટાયેલ દાગીનાના રૂપિયા ૯૦ દિનમાં ચુકવાશે : બ્રાંચ મેનેજર

આઇઆઇએફએલના ગ્રાહકોની ચિંતામાં ઘટાડો : ગ્રાહકને ૯૦ દિવસમાં બજારની કિંમતે દાગીનાના રૂપિયા ચુકવાશે : ગુનામાં ઉપયોગ થયેલ કાર ભિલાડ પાસે મળી

અમદાવાદ, તા.૧૧ : વાપી નજીકના ચણોદ સ્થિત આઇઆઇએફએલમાંથી બે દિવસ પહેલાં રૂ.૧૩ કરોડના સોના સહિતની ચકચારી લૂંટ થઈ હતી. જેને લઈને ગ્રાહકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે, બ્રાંચ મેનેજરના જણાવ્યા મુજબ જો, ૭ દિવસમાં આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાઇ જાય તો ગ્રાહકને ઓપ્શન આપવામાં આવશે. જેમાં પહેલાની જેમ વ્યવહાર રાખવાનો વિકલ્પ આપવામાં આવશે. જો મુદ્દામાલ નહી મળે તો ઇન્શ્યોરન્સની ટર્મ પોલિસી મુજબ ૯૦ દિવસમાં તેમને ગુરૂવારના બજારભાવ પ્રમાણે દાગીનાના રૂપિયા મળી જશે. બ્રાંચ મેનેજરની આ હૈયાધારણને પગલે ગ્રાહકોને આંશિક રાહત થઇ છે. જો કે, તેમછતાં હજુ કેટલાક ગ્રાહકોમાં દાગીનાને લઇ ચિંતા અને ફફડાટની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. બીજીબાજુ, આરોપીઓ દ્વારા લૂંટના ગુનામાં વપરાયેલી કાર ભિલાડ પાસેથી મળી આવતાં પોલીસે તેને કબ્જે લઇ સીસીટીવી ફુટેજ અને અન્ય કડીઓના આધારે લૂંટારાઓને પકડવાના ચક્રો તેજ બનાવ્યા છે.

           વાપી ચણોદ સ્થિત સોના પર લોન આપતી આઇઆઇએફએલ બ્રાંચમાં ગુરૂવારે લૂંટની ઘટના બાદ લોન લેનારા ગ્રાહકો બ્રાંચ ઉપર ધસી આવ્યા હતા. લૂંટ બાદ સતત બીજા દિવસે પણ ગ્રાહકોની ભારે ભીડ બ્રાંચ ઉપર જોવા મળી હતી. લૂંટ બાદ બ્રાંચના સાધનોને સીઝ કરી દેતા કર્મચારીઓ ઓફિસ બહાર ટેબલ લગાવીને ગ્રાહકોને સમજાવતા જોવા મળ્યા હતા. જ્યાં ગ્રાહકોના નામ અને ફોન નંબર એક ડાયરીમાં લખી વધુ માહિતી ૧૦ દિવસ બાદ ફોન પર આપવા બ્રાંચના કર્મચારીઓએ જણાવ્યું હતું. ૧૦૦થી વધુ ગ્રાહકોએ બ્રાંચ પર પહોંચી કર્મચારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

            બ્રાંચ તરફથી હાલ તો ગ્રાહકોને તેમના દાગીના બદલે રૂપિયા મળી જશે તેવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. જો કે, તેમ છતાં પણ કેટલાક ગ્રાહકોમાં હજુ પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોતાના કિંમતી દાગીના ન મળવાનો પણ અફસોસ છે. સિક્યુરિટી ગાર્ડ વગરની આઇઆઇએફએલના ચણોદ બ્રાંચમાં ગુરૂવારે કરોડોના દાગીનાની લૂંટ બાદ શુક્રવારે ત્યાં સિક્યુરિટી ગાર્ડ ઉભો કરી દેવાયો હતો. જે અંગે મેનેજરથી વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, હાલ કંપનીના નિર્ણયથી ટેમ્પરરી ગાર્ડ મુકાયો છે.

કંપની જણાવશે તો જ ભવિષ્યમાં ગાર્ડને કાયમી રખાશે. આઇઆઇએફએલ ટેરેટરી મેનેજર વિજય રાયે જણાવ્યું હતું કે, પોલીસની પ્રક્રિયા સાત દિવસ સુધી ચાલશે. જેમાં મુદ્દામાલ મળી જાય તો ગ્રાહકોને તેમના ગોલ્ડ પરત આપી દેવાશે. જો નહીં મળે તો તમામ ગોલ્ડ ઇન્શ્યોર્ડ છે અને તે માટે ૯૦ દિવસની પ્રક્રિયા હોય છે. ૯૦ દિવસમાં ગ્રાહકોને ગુરૂવારના બજાર ભાવ પ્રમાણે રૂપિયા તેમજ દાગીનાના મેકિંગ ચાર્જ પણ આપી દેવામાં આવશે. ગુરૂવાર પહેલાનો વ્યાજ કાપ્યા બાદ હવે કોઇ વ્યાજના ચાર્જ ગ્રાહકો પાસેથી વસુલાશે નહી.

(9:29 pm IST)