ગુજરાત
News of Saturday, 10th December 2022

નસીબના બળિયા ૧૬ ઉમેદવારો, જે ‘માંડ માંડ' જીત્‍યા

૫૦૦૦થી પણ ઓછા મત સાથે જીત્‍યા છે ૧૬ ઉમેદવારો : પોતાની પાર્ટીની આબરૂ બચાવી લીધી જિજ્ઞેશ મેવાણીએ પણ ૪૯૨૮ મતના માર્જિનથી જીત મેળવી છે

નવી દિલ્‍હી તા. ૧૦ : ગુજરાતમાં પાછલા ઘણાં સમયથી ચૂંટણીનો માહોલ હતો. નેતાઓ અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્‍યો, આરોપ-પ્રત્‍યારોપ, વિવિધ વચનો કરવામાં આવ્‍યા. અને હવે પરિણામ પણ આવી ગયું છે. બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે. પરંતુ રાજકીય વિશ્‍લેષકો હવે હાર અને જીત પર ચર્ચા કરી રહ્યા છે, તારણો શોધવાનો પ્રયત્‍ન થઈ રહ્યો છે. તેવામાં એક રસપ્રદ જાણકારી સામે આવી છે. કુલ ૧૮૨માંથી ૧૬ સીટ એવી જે જેમાં ઉમેદવારને ૫૦૦૦થી પણ ઓછા વોટથી જીત મળી છે. આ ૧૬ સીટોમાં સાત ભારતીય જનતા પાર્ટીની, સાત કોંગ્રેસની જયારે બે આમ આદમી પાર્ટીની છે.

સૌથી પહેલા વડગામથી મેદાનમાં ઉતરનાર કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીની વાત કરીએ તો, યુવા નેતાએ ભારતીય જનતા પાર્ટીના મણીભાઈ વાઘેલા સામે જીત તો મેળવી છે, પરંતુ તે ૪૯૨૮ વોટથી જીત્‍યા છે. તમને જણાવી દઈએ કે, જિગ્નેશ મેવાણી ૨૦૧૭ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે પણ જિગ્નેશની જીત થઈ હતી. હવે જો પાટણની ચણાસમા બેઠકની વાત કરીએ તો, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર દિનેશ ઠાકોર ભાજપના ઉમેદવાર દિલિપ ઠાકોર સામે માત્ર ૧૪૦૪ વોટથી જીત્‍યા છે.

હવે જો ભારતીય જનતા પાર્ટીના નેતા વિજેન્‍દ્રસિંહ જાડેજાની વાત કરીએ તો, કચ્‍છની રાપર બેછક તેમણે પોતાના નામે ચોક્કસપણે કરી છે, પરંતુ તે કોંગ્રેસના ઉમેદવાર બચુભાઈ અરેઠિયા સામે માત્રને માત્ર ૫૭૭ વોટથી જીત્‍યા છે. સિદ્ધપુર બેઠકની વાત કરીએ તો અહીં ભારતીય જનતા પાર્ટીના નેતા બળવંતસિંહ રાજપૂત ૨૮૧૪ વોટના માર્જિન સાથે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે મેદાન મારી ગયા છે. ઉલ્લેખનીય છે કે બળવંતસિંહે વર્ષ ૨૦૧૭માં રાજયસભાની ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો, પરંતુ દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલ સામે એક વોટથી હારી ગયા હતા.

ખેરાલુ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સરદાર ચૌધરીએ વિજય પ્રાપ્ત કર્યો છે. તેઓ કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈ સામે ૩૯૫૪ વોટના માર્જિનથી જીત્‍યા છે. કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો, જૂનાગઢની માનવદાર બેઠક પરથી અરવિંદ લાડાણીએ જીત મેળવી છે, પરંતુ તેઓ માત્ર ૩૪૫૩ વોટના માર્જિનથી જીત્‍યા છે. સોમનાથ બેઠકની વાત કરીએ તો અહીં કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમા ભાજપના ઉમેદવાર માનસિંહ પરમાર સામે માત્ર ૯૨૨ વોટના માર્જિનથી જીત્‍યા છે. ભારતીય જનતા પાર્ટીના મહેશ કાસવાલાએ અમરેલીની સાવરકુંડલા બેઠક પર પહેલીવાર જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને ૩૪૯૨ વોટથી હરાવ્‍યા છે.

આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર એવા છે જે અત્‍યંત ઓછા માર્જિનથી જીત સુધી પહોંચી શક્‍યા છે. અમરેલીની ગરીયાધર બેઠકની વાત કરીએ તો, અહીં આપના ઉમેદવાર સુધીર વાઘાણી ૪૮૧૯ વોટના માર્જિન સાથે જીત્‍યા છે. બોટાદ બેઠકની વાત કરીએ તો, આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્‍યામ વિરાણીને ૨૭૭૯ મતથી હરાવ્‍યા છે. ભારતીય જનતા પાર્ટીના મયુર રાવલ આ વખતે જીત મેળવી શક્‍યા નહીં કારણકે ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલે ૩૭૧૧ વોટ માર્જિનથી જીત મેળવી છે.

આ જ રીતે, દસાડાના પૂર્વ ધારાસભ્‍યો નૌશાલ સોલંકી આ ચૂંટણીમાં ખુરશી બચાવી શક્‍યા નથી કારણકે ભારતીય જનતા પાર્ટીના પી.કે. પરમાર સામે તેઓ ૨૧૭૯ વોટથી હારી ગયા છે. કોંગ્રેસ નેતા ડોક્‍ટર તુષાર ચૌધરીના દીકરા અમરસિંહ ચૌધરીએ ખેડબ્રહ્મા બેઠક પર જીત તો મેળવી પરંતુ તેઓ ભાજપના અશ્વિન કોટવાલ સામે માત્ર ૧૬૬૪ વોટથી જીત્‍યા છે. કેશોદ બેઠકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નેતા દેવા માલમે માત્ર ૪૨૦૮ વોટથી જીત મેળવી છે. આંકલાવ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના ગુલાબસિંહ પેઢિયારને ૨૭૨૯ મતથી હરાવ્‍યા છે.

 

(10:57 am IST)