ગુજરાત
News of Saturday, 10th December 2022

‘આપ' એ ૩૧ બેઠકો ઉપર કોંગ્રેસની પથારી ફેરવી તો ભાજપને પાંચ બેઠકોમાં નડયું

કોંગ્રેસ માટે સૌથી મોટો અપસેટ ટંકારા બેઠક પર : કોંગ્રેસ ‘આપ'ને કારણે હારી

નવી દિલ્‍હી તા. ૧૦ : ગુજરાતના ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીએ ઝુકાવ્‍યું ત્‍યારથી બધાના મનમાં ચાલતુ હતું કે આપના કારણે કયા પક્ષને નુકસાન જશે. પરિણામના દિવસે ઓછા માર્જીનથી જીતાયેલ બેઠકોનું વિશ્‍લેષણ કરતાં જાણવા મળ્‍યું કે આપના લીધે ૩૭ બેઠકોના પરિણામો બદલાઇ ગયા હતા. જેમાં કોંગ્રેસને ૩૧ અને ભાજપાને ૫ બેઠકો પર નુકસાન થયું હતું. આ બેઠકો પર જીતનું માર્જીન આપના ઉમેદવારને મળેલ મતો કરતા ઓછું હતું.

કોંગ્રેસ માટે સૌથી મોટો અપસેટ ટંકારાની બેઠક પર સર્જાયો, જ્‍યાં તેનું મોટું માથું ગણાતા લલિત કગથરા (૭૩૦૧૮ મત) ૧૦૨૫૬ મતોથી ભાજપાના દુર્લભ દેતારીયા (૮૩૨૭૪) મત સામે હારી ગયા. અહીં આપના ઉમેદવાર સંજય ભટાસણાને ૧૭૮૩૪ મતો મળ્‍યા હતા. કગથરા ૨૦૧૭ની ચૂંટણીમાં આ બેઠક પરથી ૨૯૭૭૦ મતે જીત્‍યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે અહીં કોંગ્રેસ ભટાસણાના કારણે હારી છે.

માણાવદર બેઠક પરથી ભાજપાના જવાહર ચાવડા (૬૧૨૩૭) મત કોંગ્રેસના અરવિંદ લાડાણી (૬૪૬૯૩ મત) સામે ૩૪૫૩ મતે હાર્યા હતા. આપના ઉમેદવાર કરસન ભાદરકાએ ૨૩૨૯૭ મત મેળવીને જવાહર ચાવડાનો ખેલ બગાડી નાખ્‍યો. ૨૦૧૭ની ચુંટણીમાં ચાવડા આ બેઠક ૨૯૭૬૩ મતોથી જીત્‍યા હતા.

આવી જ રસપ્રદ વાત રાજકોટ પૂર્વ બેઠકની છે, જ્‍યાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજયગુરૂ (૫૭૫૯૯ મત) ભાજપના ઉદય કાનગડ (૮૬૧૯૪) સામે ૨૮૬૩૫ મતે હારી ગયા. આપના ઉમેદવાર રાહુલ ભુવાને ૩૫૪૩૬ મતો મળ્‍યા હતા જેના કારણે કોંગ્રેસે આ બેઠક ગુમાવવી પડી છે.

(10:56 am IST)