ગુજરાત
News of Friday, 9th December 2022

અનોખા સંયોગ : સયાજીગંજ બેઠકના વિજેતા ઉમેદવારને તેના સહાધ્યાયી ચૂંટણી નિરીક્ષકે જીતનું પ્રમાણ પત્ર આપ્યું

વિજેતા કેયુરભાઈને તેમના શિક્ષણ સહાધ્યાયી ગોપાલ બામણીયાએ, ચુનાવ આયોગના ઓબઝર્વર ગૌરીશંકર અને ચૂંટણી અધિકારી ગીતા દેસાઈ સાથે વિજેતાનું આપ્યું પ્રમાણપત્ર :પરાજિત ઉમેદવાર અમી રાવતે પણ આ શિક્ષણ સંસ્થામાં જ ઇજનેરીનો અભ્યાસ કર્યો તો

અમદાવાદ :રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ 2022 હેઠળ વડોદરા શહેરી વિસ્તારમાં અનોખા સુભગ સંયોગની નોખી ઘટના નોંધાઈ છે.જેમાં સયાજીગંજ વિધાનસભા બેઠકના વિજેતા ઉમેદવારને તેમની સાથે જ ઇજનેરી શિક્ષણ મેળવનારા ભૂતપૂર્વ સહાધ્યાયીએ ચૂંટણી તંત્રના સંચાલક અધિકારી તરીકે વિજેતાનું પ્રમાણપત્ર પ્રદાન કર્યું હતું.

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગમાં રસાયણ ઇજનેરીનો અભ્યાસ કરી ચૂકેલા ગોપાલ બામણીયા હાલમાં ગુજરાત સરકારમાં અધિક કલેકટર છે.તેમની નિમણુંક મત ગણના સમયે સયાજીગંજ બેઠકના ચૂંટણી અધિકારીના માર્ગદર્શક કાઉન્ટીંગ નોડલ તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી હતી.જ્યારે ઉપરોક્ત શિક્ષણ સંસ્થામાં તેમની સાથે જે ઇજનેરી શિક્ષણ મેળવનારા સહાધ્યાયી અને વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયા આ બેઠકના ઉમેદવાર હતા.

મત ગણનાના અંતે વિજેતા ઉમેદવારને બેઠકના ચૂંટણી અધિકારી દ્વારા વિજયનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.તે પ્રમાણે વિજેતા કેયુરભાઈને તેમના એક સમયના શિક્ષણ સહાધ્યાયી ગોપાલ બામણીયાએ, ચુનાવ આયોગના ઓબઝર્વર ગૌરીશંકર અને ચૂંટણી અધિકારી ગીતા દેસાઈ સાથે વિજેતાનું પ્રમાણપત્ર આપ્યું હતુ.

યોગાનુયોગ એ પણ છે કે પરાજિત ઉમેદવાર અમી રાવતે પણ આ શિક્ષણ સંસ્થામાં જ ઇજનેરીનો અભ્યાસ કર્યો છે.આમ,સયાજીગંજ બેઠક પર ચૂંટણીમાં એક ખુબ જ અનોખો સુભગ સંયોગ સર્જાયો હતો.

(12:23 am IST)