ગુજરાત
News of Tuesday, 10th December 2019

વિકાસશીલ ગુજરાતે છેલ્લા બે વર્ષમાં 35 હજાર કરોડનું વ્યાજ ચુકવ્યું : સરકારનું જાહેર દેવું વધીને 2,40 લાખ કરોડે પહોંચ્યું

સરકારે 2017-18માં સરકારે 17146 કરોડ રૂપિયા વ્યાજ અને 13700 કરોડની મુદ્દલ ચૂકવી

 

ગાંધીનગર- ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને 2.40 લાખ કરોડ થયું છે, જ્યારે સરકારે બે વર્ષમાં 35000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. જાહેર દેવાના આંકડા રાજ્યમાં વધતા જાય છે.સરકાર એવો દાવો કરે છે કે રાજ્યનો વિકાસ કરવો હોય તો દેવું કરવું પડે.

 દેવાના વિવિધ વિકલ્પોમાં સરકારે મોટાભાગે બજાર લોન અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂપિયા ઉછીના લેવાનું શરૂ કર્યું છે. તેથી વ્યાજના આંકડા મોટા થતાં જાય છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશના એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે 31મી ઓક્ટોબર 2019ની સ્થિતિએ રાજ્યનું જાહેર દેવું સુધારેલા અંદાજ પ્રમાણે 240652 કરોડ રૂપિયા છે.

   દેવાની સામે છેલ્લા બે વર્ષમાં પરત ચૂકવણી અંગેના એક પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે 2017-18માં સરકારે 17146 કરોડ રૂપિયાનું વ્યાજ અને 13700 કરોડની મુદ્દલ ચૂકવી છે. એવી રીતે 2018-19ના અંદાજ પ્રમાણે 18124 કરોડનું વ્યાજ અને 15440 કરોડની મુદ્દલ ચૂકવવામાં આવી છે.

  દેવાના વ્યાજદર અંગેના ધારાસભ્યના એક પૂરક પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે કહ્યું છે કે નાણાકીય સંસ્થાઓની લોન સરકારને 4.75 ટકાથી 8.75 ટકાના દરે મળે છે. બજાર લોન 6.05 ટકાથી 9.75 ટકાના દરે, નાની બચતોની લોન 9.50 ટકાથી 9.75 ટકાના દરે તેમજ કેન્દ્રીય દેવામાં શૂન્ય ટકાથી 13 ટકા સુધીનું વ્યાજ હોય છે. ગુજરાત સરકારનું જાહેર દેવું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદનના 16.03 ટકા જેટલું થાય છે.

   જાહેર દેવા સામે એકંદર ઘરગથ્થું ઉત્પાદનના ગુણોત્તરમાં સુધારો થયો હોવાનો દાવો નાણા વિભાગના ડોક્યુમેન્ટમાં કરવામાં આવ્યો છે. જાહેર દેવાના ઘટકાં સૌથી વધુ 71.45 ટકા બજાર લોન ને પાવર બોન્ડ્સ છે. કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 2.80 ટકા છે. નાણાકીય સંસ્થાઓ અને બેન્કો પાસેથી લોનની ટકાવારી 5.57 ટકા થાય છે. એનએસએસએફ લોનમાં 20.19 ટકા છે. ગુજરાત સરકારનું જાહેર દેવું માર્ચ 2014ના અંતેમાત્ર 149506 કરોડ રૂપિયા હતું તે માર્ચ 2015ના અંતે વધીને 163451 કરોડ રૂપિયા થયું છે. 2016માં જાહેર દેવાની રકમ 180743 કરોડ હતી જે 2017માં વધીને 199338 કરોડ થઇ હતી.

(9:50 pm IST)