ગુજરાત
News of Tuesday, 10th December 2019

બે વર્ષમાં ૧૪ દિપડાના મોત તેમજ હુમલામાં ૭૧ ઘાયલ

ગુજરાત વિધાનસભા ગૃહમાં મુદ્દો સપાટી પર : અમરેલી-જૂનાગઢમાં દિપડાના સૌથી વધારે હુમલા થયા હોવાથી સૌથી વધારે ખૌફ : ૪૩૫ દિપડા પકડાઈ ચુક્યા

અમદાવાદ, તા.૧૦ : વિધાનસભા ગૃહમાં આજે રાજ્યમાં દિપડાઓ દ્વારા થઈ રહેલા હુમલા અને મોત મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો હતો. રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, છેલ્લા બે વર્ષમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં દીપડાના હુમલામાં ૭૧ લોકો ઘવાયા છે, જેમાંથી ૧૪ લોકોના મોત થયા છે. જ્યારે ૪૩૫ દિપડાઓને પકડવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢમાં છેલ્લા બે વર્ષમાં દિપડાઓ દ્વારા ૩૭ હુમલા થયા છે, જેમાં ૬ના મોત નીપજ્યા છે, જ્યારે અમરેલીમાં થયેલા ૪૩ હુમલામાં લોકોના મોત થયા છે. આમ, સમગ્ર રાજયમાં અમરેલી -જૂનાગઢમાં દિપડાનો સૌથી વધુ આંતક હોઇ ત્યાં વધુ ખૌફ હોવાનું સ્પષ્ટ થયુ હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૫ દિવસથી અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં દિપડાઓનો ખૌફ વધી રહ્યો છે.

             ખાસ કરીને છેલ્લા એક મહિનામાં દિપડાના હુમલામાં નોંધનીય વધારો થયો છે, માત્ર એટલું નહીં દિપડાએ છેલ્લા અઠવાડીયામાં બે લોકોને ફાડી ખાતા અને ત્રણ વ્યકિતઓ પર હુમલો થતાં સમગ્ર વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો દિપડાના હુમલાઓથી ભયભીત છે અને સરકારે પણ દેખો ત્યાં ઠારના આદેશ આપી દીધો છે. તેની સાથે સાથે ધારાસભ્ય હર્ષદ રિબડીયા, સામાજિક આગેવાનો અને વન વિભાગ દીપડાને શોધવા માટે દોડધામ કરી રહ્યા છે ત્યારેઆજે દિપડાનો મુદ્દો ગુજરાતવિધાનસભા ગૃહમાં ઉછળ્યો હતો.

(9:00 pm IST)