ગુજરાત
News of Tuesday, 10th December 2019

સૌરાષ્‍ટ્રમાં દિપડા સહિત વન્ય પ્રાણીઓથી બચવા રાત્રીના બદલે ખેડૂતોને દિવસે વિજળી આપવા રાજ્ય સરકારનો નિર્ણય

ગાંધીનગર : હાલ અમરેલી જિલ્લામાં દિપડાઓનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. અનેક ખેડૂતો અને નાગરિકોનાં મોત નિપજ્યા છે જ્યારે અનેક ઘાયલ પણ થયા છે. જો કે આ દરમિયાન એક સવાલ ઉઠીને આવ્યો કે ખેડૂતો રાત્રે ખેતરમાં જાય છે શા કારણથી ? મોટા ભાગનાં ખેતરને જાળી નાખી દીધી હોવાથી પશુઓ તો પાકમાં ઘુસતા નથી. ત્યારે ખેડૂતોએ રાત્રે ખેતરમાં જવાની શું જરૂર પડે છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં જવાનું મુખ્ય કારણ છે રાત્રે મળતી વિજળી. ખેડૂતોને રાત્રે વિજળી આવતી હોવાનાં કારણે પાકને પાણી પીવડાવવા માટે રાત્રે જવું પડે છે. અંધારામાં જ્યાં પાળા હોય ત્યાં ઉભુ પણ રહેવું પડે છે. જો કે સરકારે એક સરાહનીય નિર્ણય લીધો છે.

સૌરાષ્ટ્રના દિપડાથી તાલુકાઓમાં ખેડુતોને રાત્રીને બદલે દિવસે વીજળી આપવાનો સરકારે આવકાર્ય નિર્ણય લીધો છે. ઉર્જા વિભાગ દ્વારા એક સપ્તાહમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ વિસાવદર અને અમરેલી વિસ્તારોમાં રાત્રિ દરમિયાન દીપડાનો હુમલો થાય છે. ખેડૂતોને રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરોમાં કામ કરતા હોય છે તે દરમિયાન દીપડાના હુમલાનો ભોગ બનવું પડે છે.  આથી રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

 અમરેલી ગીર-સોમનાથ અને વિસાવદર વિસ્તારમાં દિવસે વીજળી આપવામાં આવશે. આ દિશામાં રાજ્ય સરકાર સક્રિય બની છે. આ વિસ્તારોમાં દીપડાનો ત્રાસ ખૂબ હોવાના કારણે રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણય લેવાની દિશામાં વિચારી રહી હતી. વિધાનસભા ગૃહમાં હર્ષદ રિબડિયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ જાહેરાત કરી કે આ વિસ્તારના લોકો ભયભીત ન બને એટલા માટે વહેલી સવારથી જ ખેડૂતો માટે વીજળી દિવસ દરમિયાન આપવામાં આવશે. રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે અને એક સપ્તાહમાં તેનો અમલ પણ થઇ જશે. ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે ગૃહમાં ટકોર કરી કે, દિપડાના ત્રાસવાળા વિસ્તારોમાં ખેડુતોને વીજળી દિવસે આપવાની વાત છે કે રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત છે તે કહેજો. ભાજપનુ વચન પણ આપ્યું છે કે ખેડૂતોને વીજળી દિવસે આપવી. રાધવજી પટેલ ની વાત પર કોંગ્રેસના ધારાસભ્ય ખુશ થઈ ગયા હતા અને ગૃહમાં વાહ...વાહ..ના નારા પોકારો કર્યા હતા.

(5:34 pm IST)