ગુજરાત
News of Tuesday, 10th December 2019

બંને આરોપીઓને સાથે રાખી દુષ્કર્મ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પોલીસની ઝડપી તપાસ : પીડિતાને ફેંકી હતી તે દિવાલ કૂદાવી : જ્યાં દુષ્કર્મ આચર્યું હતું તે અપરાધની જગ્યાને પણ આરોપીઓ દ્વારા દર્શાવાઈ

અમદાવાદ, તા.૧૦ : વડોદરાના નવલખી મેદાનમાં ૧૪ વર્ષની સગીરા પર થયેલા દુષ્કર્મના મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે બંને આરોપીઓને લઇને આજે બપોરે નવલખી મેદાનમાં પહોંચી હતી અને બંને આરોપીઓને અલગ-અલગ જગ્યાઓએ લઇ જઇને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓએ પીડિતાને જે દિવાલ પરથી ફેંકી હતી. તે દિવાલ કુદવાનું પણ રિકન્સ્ટ્રકશન પોલીસે આરોપીઓ પાસે કરાવ્યું હતું. બંને નરાધમોને લાવવામાં આવતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં એકત્ર થઇ ગયા હતા અને નરાધમ આરોપીઓ પર જોરદાર ફિટકાર વરસાવ્યો હતો. આજે વડોદરા ક્રાઇમ બ્રાંચ બંને આરોપીઓને લઇને નવલખી ગ્રાઉન્ડ પર પહોંચી હતી. આરોપીઓએ જે જગ્યાએ પીડિતાના મિત્રને માર્યો અને જે જગ્યાએથી તેઓ પીડિતાને લઇ ગયા તે જગ્યા બતાવી હતી. ત્યારબાદ જે રસ્તા પર તેઓ ગયા હતા. તે રસ્તે ક્રાઇમ બ્રાંચ તેઓને અંદર લઇને ગઇ હતી અને જે સ્થળ પર દુષ્કર્મ આચર્યું હતું,

          તે જગ્યા આરોપીઓએ પોલીસને બતાવી હતી. ૧૪ વર્ષની સગીરાને જે દીવાલ પરથી નીચે ફેંક્યાં બાદ દુષ્કર્મ આચર્યું હતું. તે દિવાલ કુદવાનું રિકન્સ્ટ્રકશન પોલીસે આરોપીઓ પાસે કરાવ્યું હતું. પહેલા પોલીસ કર્મીઓ દિવાલ પર ચડ્યા હતા. અને ત્યારબાદ આરોપીઓને દીવાલ પર ચડવા માટે કહેવામાં આવ્યું હતું. આરોપીઓ કેવી રીતે દિવાલ પર પડ્યા તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીએ જે લાકડાના ડંડા વડે પીડિતાના મિત્રને માર માર્યો હતો. તે ડંડો પણ નવલખી મેદાનમાંથી મળી આવ્યો હતો. ગઇકાલે પોલીસે આરોપી કિશન કાળુભાઇ માથાસુરીયા અને જશો વનરાજ સોલંકીને વડોદરાની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં કોર્ટે બંને આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

         કોર્ટે બંને નરાધમોને સળંગ હાથકડી પહેરાવવાની પણ મંજૂરી આપી હતી. જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવતાં આજે બંને આરોપીઓને લઇને ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાના રિક્સ્ટ્રક્શન માટે બંને આરોપીઓને લઇને નવલખી મેદાનમાં પહોંચી હતી અને વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેથી કોર્ટમાં પીડિતાને ન્યાય અપાવવા માટેના મજબૂત પુરાવા રજૂ કરી શકાય.

(8:52 pm IST)