ગુજરાત
News of Tuesday, 10th December 2019

વિવિધ કારણોસર શારીરિક માનસિક ત્રાસ આપી ખોટો વ્હેમ રાખી મારઝુડ કરનાર પતિ તેમજ સાસરીયાઓ વિરૂધ્ધ પરિણીતાએ નોંધાવી ફરિયાદ

મહુધા તાલુકાના ખુંટજ તાબે જોષીયાપુરામાં રહેતી પરિણીતા સાથે વિવિધ કારણોસર શારીરિક માનસિક ત્રાસ આપી ખોટો વ્હેમ રાખી મારઝુડ કરનાર પતિ તેમજ સાસરીયાઓ વિરૂધ્ધ મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના સીંઘાલી તાબે કઠણીયાવાડમાં રહેતાં સાબીરમીયાં મલેકની પુત્રી અફસાનાબાનુના લગ્ન આજથી ચારેક વર્ષ અગાઉ મહુધા તાલુકાના ખુંટજ તાબે જોષીયાપુરામાં રહેતાં હનીફભાઈ ઉસ્માનભાઈ મલેક સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયાં હતાં. લગ્ન બાદ શરૂઆતના દિવસોમાં સાબીરમીયાં ને પતિ તેમજ સાસરીયાઓ તરફથી સારી રીતે વ્યવ્હાર રાખ્યો હતો. જો કે પતિ હનીફભાઈને અન્ય યુવતિ સાથે પ્રેમસબંધ બંધાતા સાબીરમીયાં બાબતે ઠપકો આપતી હોવાથી ઝઘડા શરૂ થયાં હતાં. પતિ હનીફભાઈ મલેક, સાસુ જેતુનબીબી ઉસ્માનભાઈ મલેક તેમજ મામા સસરાં સલીમમીયાં અસરફમીયાં મલેક ઘરકામ બાબતે તેમજ પૈસા બાબતે અવારનવાર ઝઘડો કરી સાબીરમીયાને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતાં હતાં. અને ખોટા વ્હેમ રાખી સાબીરમીયાં સાથે મારઝુડ કરતાં હતાં. ગત તા.૩૦-૧૧-૧૯ ના રોજ પતિ હનીફભાઈ તેની પ્રેમીકાને લઈ ક્યાંક ચાલ્યો ગયો હતો. આમ, પતિ તેમજ સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી સાબીરમીયાં તેના પિયરમાં જઈ માવતરને વાત જણાવ્યાં બાદ આજરોજ મહુધા પોલીસ મથકમાં પતિ, સાસુ તેમજ મામા સસરાં વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. બનાવ અંગે સાબીરમીયાં ની ફરિયાદને આધારે મહુધા પોલીસે હનીફભાઈ ઉસ્માનભાઈ મલેક, જેતુનબીબી ઉસ્માનભાઈ મલેક અને સલીમમીયાં અસરફમીયાં મલેક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:08 pm IST)