ગુજરાત
News of Tuesday, 10th December 2019

ખેડા જિલ્લા એલસીબીએ જુગારધામ પર રેડ પાડી 7ને ઝડપ્યા

નડિયાદ: તાલુકાના મરીડામાં રહેતો પ્રવિણસિંહ ઉર્ફે પીકે કનકસિંહ છાસટીયા ગામમાં ભક્તિ ફળીયા પાછળ આવેલ ખેતરોની ઝાડીઓની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચલાવતો હોવાની માહિતી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં જુગારધામ ચલાવનાર પ્રવિણસિંહ ઉર્ફે પીકે કનકસિંહ છાસટીયા પોલીસને ચકમો આપી ભાગી છુટવામાં સફળ બન્યો હતો. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં સાત ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતા. જેમાં મહેબુબભાઈ સફીભાઈ પાનવાલા, પ્રવિણસિંહ ઉર્ફે પિન્ટુ ચંન્દ્રસિંહ રાઠોડ, પરષોત્તમભાઈ હરમાનભાઈ ચૌહાણ, સંજય ઉર્ફે ભુરીયો રતિલાલ ચૌહાણ, મિતેષ વિનયકુમાર શાહ, કૃણાલ નટવરલાલ પ્રજાપતિ અને અરવિંદભાઈ ઉર્ફે પિન્ટુ ભાથીભાઈ ઝાલાનો સમાવેશ થાય છે. પકડાયેલા ઈસમોની અંગજડતીમાંથી રૂ.૫૮૨૦, દાવ પરથી રૂ.૧૭૨૦, ચાર મોબાઈલ ફોન કિંમત રૂ.૧૪,૦૦૦ તેમજ એક મોટરસાઈકલ નં. જીજે-૦૬, સીઆર-૩૮૧૩ કે જેની કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૪૧,૫૪૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા સાત ઈસમો તેમજ ભાગી છુટેલા પ્રવિણસિંહ છાસટીયા મળી કુલ આઠ ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:07 pm IST)