ગુજરાત
News of Tuesday, 10th December 2019

ગાંધીનગર: માતા સાથેના આડા સંબંધના મામલે પુત્રે મિત્રો સાથે મળી કરી યુવકની કરપીણ હત્યા

ગાંધીનગર:  જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ પાસે કંપનીમાં કામ કરતી માતા સાથે અન્ય કર્મચારી યુવાનને આડા સંબંધ હોવાનો વહેમ રાખીને મહિલાના પુત્રએ તેના સાગરિતો સાથે મળીને યુવાને મોપેડ ઉપર રકનપુર પાસે લઈ જઈ માથામાં લોખંડની પાઈપ ફટકારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે સંદર્ભે સાંતેજ પોલીસે ચાર સાગરીતોને ઝડપી પાડયા છે જ્યારે મુખ્ય આરોપી અને અન્ય એક સાગરીતની શોધખોળ શરૂ કરી છે. કલોલ તાલુકાના રકનપુર ગામે ગ્રીન સીટીમાં બ્લોક નં.બી/૧૪/૪૦૩માં રહેતો યુવાન સાવન મહેશભાઈ પટેલ તેની માતા રામેશ્વરીબેન સાથે સાંતેજમાં આવેલી એક ચીકી બનાવતી કંપનીમાં નોકરી કરતાં હતા. કંપનીમાં લાલાજી બબાજી ઠાકોર પણ તેના મિત્રો સાથે નોકરી કરતો હતો.ત્યારબાદ સાવનની માતા રામેશ્વરીબેન અને લાલાજી વાતચીત કરતાં હતા અને ઘરે આવવા જવાનો સંબંધ પણ હતો. જેથી માતા અને લાલાજી વચ્ચે આડા સંબંધ હોવાની શંકા સાવનના મનમાં ઘર કરી ગઈ હતી. ગત બુધવારે સાંજના સમયે લાલાજી કંપનીના કવાર્ટસના તેના રૂમમાં હતો તે દરમ્યાન સાવન મોપેડ લઈને ત્યાં પહોંચ્યો હતો અને લાલાજીને રકનપુર પાસે લઈ જઈ તેના સાગરીતો સાથે મળી તેની હત્યા કરી હતી. સંદર્ભે સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે સાવન અને તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી. જેમાં સાંતેજ પોલીસને માહિતી મળી હતી કે હત્યા પ્રકરણમાં રકનપુર ગ્રીનસીટી બી-૩૭-૫૦૪માં રહેતો અશ્વિન બાવજીભાઈ વાળા, બી-ર૭-ર૦૩માં રહેતો હાર્દિક કુમાર ઉર્ફે લાલો તલકસિંભાઈ ઠકકર, મોન્ટુ જગીલાલ રાજભર રહે.રકનપુર તલાવડી પાસે, ચેતન ઉર્ફે સમીર રામાભાઈ પરમાર રહે. સાંતેજ અને વિપુલ મહોતજી ઠાકોર રહે.સાંતેજની સંડોવણી છે. જેના પગલે પોલીસે અશ્વિન, હાર્દિક, મોન્ટુ અને ચેતનને ઝડપી પાડયા હતા. જયારે ફરાર થયેલા મુખ્ય આરોપી સાવન અને વિપુલ મહોતજી ઠાકોરની શોધખોળ શરૂ કરી છે. હાલ ઝડપાયેલ આરોપીઓના રીમાન્ડ લેવાની તજવીજ પોલીસે શરૂ કરી છે. 

(5:06 pm IST)