ટેમ્પી મૂકવાની બાબતે તારાપુરના સાંઠ ગામે એક જ પરિવારના છ સભ્યો પર જીવલેણ હુમલો: ચાર વિરોધ ગુનો દાખલ
તારાપુર: તાલુકાના સાંઠ ગામે આજે સવારના સુમારે ઘર પાસે ટેમ્પી મૂકવાની બાબતે ચાર શખ્સોએ ઝઘડો કરીને એક જ પરિવારના છને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી ભુપતભઈ ખોડાભાઈ ગોહેલે પોતાની થ્રી વ્હીલ ટેમ્પી ઘર આગળ પાર્ક કરી હતી. દરમિયાન સવારના નવેક વાગ્યાના સુમારે સામે રહેતા ચંદુભાઈ ભઈલાલભાઈ મકવાણા, ભરત ઉર્ફે કાળુ ભઈલાલભાઈ મકવાણા, દશરથભાઈ નારણભાઈ મકવાણા અને વિક્રમભાઈ નારણભાઈ મકવાણા લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને થ્રી વ્હીલ ટેમ્પી લઈ લેવાનું કહ્યું હતુ. જેથી ભુપતભાઈએ અમારી માલિકીની જગ્યામાં ટેમ્પી મૂકી છે તેમ કહેતા જ ચારેય જણાં ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કર્યો હતો. તેણે રાજેશભાઈને હાથના પંજા ઉપર લાકડી મારી દીધી હતી જ્યારે ભરતભાઈએ પોતાની પાસેની લાકડી ભુપતભાઈને માથામાં ભાગે મારી દીધી હતી. કમુબેન, પાર્વતીબેન, ગીતાબેન તેમજ ભારતીબેન વચ્ચે પડતાં તેઓને પણ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.