ગુજરાત
News of Tuesday, 10th December 2019

સુરતના હીરાદલાલ 15.47 લાખના નકલી હીરા પધરાવી દેતા ફરિયાદ

સુરત: વરાછામાં હીરાનું કારખાનું ધરાવતા સરથાણાના આધેડ અને અન્ય એક કારખાનેદાર પાસેથી કુલ રૂ.15.47 લાખના હીરા મીનીબજારના એક વેપારીને વેચ્યા છે તેવું જુઠ્ઠાણું ચલાવી હીરાદલાલે અસલ હીરાને બદલે ડુપ્લીકેટ હીરા મૂકી સગેવગે કરી દીધા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં સરથાણા શ્યામધામ મંદિરની પાછળ રાધે રો હાઉસ ઘર નં.25 માં રહેતા 53 વર્ષીય સુરેશભાઈ માવજીભાઈ મુલાણી વરાછા ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષના પહેલા માળે નીધી ડાયમંડના નામે હીરાનું કારખાનું ધરાવે છે.ત્ર્ણ માસ અગાઉ તેમના કુટુંબી ભત્રીજા રસિક મુલાણીએ તેમની ઓળખાણ હીરાદલાલ સુરેશભાઈ જીવરાજભાઈ મોર (રહે. ઘર નં.306, જે.જે.નગર સોસાયટી,સીતાનગર ચોકડી પાસે, પુણા ગામ,સુરત. મૂળ રહે.અમરેલી ) સાથે કરાવી હતી. ગત 10 ઓક્ટોબરના રોજ સુરેશભાઈ મોર તેમની પાસેથી રૃ.6,77,370 ના હીરા વેચવા માટે લઇ ગયો હતો અને અઠવાડીયા બાદ તેણે ફોન કરી હીરાનો સોદો મીનીબજારમાં ઓફિસ ધરાવતા મેહુલભાઈ ઉર્ફે વિપુલભાઈ વિનુભાઈ રીબડીયા (રહે.ઘર નં.54, શિવા આસ્થા સોસાયટી, રંગોલી ચોકડી પાસે, વેલંજા, સુરત) ને વેચ્યા છે અને પેમેન્ટ બે ત્રણ દિવસમાં આવી જશે તેમ જણાવ્યું હતું.ત્રણ દિવસ બાદ સુરેશભાઈએ પેમેન્ટ માટે વાત કરતા હીરાદલાલ સુરેશભાઈ મોર તેમને મીનીબજારમાં મેહુલભાઈ ઉર્ફે વિપુલભાઈની ઓફિસે લઇ ગયો હતો. પણ ઓફિસ બંધ હોય તેણે ત્યાંથી જ મેહુલભાઈ ઉર્ફે વિપુલભાઈને ફોન કરતા તેણે કામ માટે મુંબઈ આવ્યો છું, અઠવાડીયા બાદ સુરત આવી પેમેન્ટ આપી દઈશ તેમ કહ્યું હતું. જોકે, ત્યાર બાદ બંનેએ પેમેન્ટ કરવાને બદલે વાયદા કરતા સુરેશભાઈએ શંકાને આધારે મીનીબજારમાં તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે વેપારી મેહુલભાઈ ઉર્ફે વિપુલભાઈએ ઉઠમણું કર્યું છે. વધુ તપાસમાં તેવું પણ જાણવા મળ્યું હતું કે બંનેએ પ્રીતિ ડાયમંડના નામે કારખાનું ધરાવતાં સાગરભાઈ અરવિંદભાઈ બાબરીયા પાસેથી પણ આ રીતે જ રૃ.8,69,240 ના હીરા લઇ જઈ પેમેન્ટ કર્યું નથી. દરમિયાન, ગતરોજ સુરેશભાઈને બંને મળતાં તેમણે પેમેન્ટ માટે પૂછયું તો મેહુલભાઈ ઉર્ફે વિપુલભાઈએ હીરા મેં સુરેશભાઈ મોર પાસેથી લીધા નથી તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા. બાદમાં બંને સાથે જઈ લોકરમાં મેહુલભાઈ ઉર્ફે વિપુલભાઈએ મુકેલા હીરાના પડીકાં ખોલ્યા તો તેમાં ડુપ્લીકેટ હીરા હતા.બંનેએ અસલ હીરા બાબતે ગોળગોળ વાતો કરતા સુરેશભાઈ નકલી હીરાના પડીકા સાથે તેમને લઇ વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઇ એ કે દેસાઈ કરી રહ્યા છે.

(5:00 pm IST)